ટેસ્ટ ટીમમાં જુરેલની એન્ટ્રી થતાં નીતીશનો ` કૅપ્ટન બદલાઈ ગયો!’: કોલકાતાથી પહોંચી ગયો રાજકોટ…

નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પગની અને ગરદનની ઈજામાંથી મુક્ત થયો એટલે તેનો સમાવેશ સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં કરવામાં આવ્યો હતો, પરંતુ વધારાના બૅટ્સમૅન તરીકે ધ્રુવ જુરેલને બુધવારે આ ટીમમાં સમાવવામાં આવતાં નીતીશ (Nitish Reddy)ને ઇન્ડિયા-એ ટીમ વતી રમવા માટે કોલકાતાથી રાજકોટ (Rajkot) મોકલી દેવામાં આવ્યો છે. તેનો સુકાની હવે બદલાઈ ગયો છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ શુક્રવાર, 14મી નવેમ્બરે (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે. બીજી તરફ, એ પહેલાં રાજકોટમાં ઇન્ડિયા-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચે ત્રણ બિનસત્તાવાર વન-ડેની શ્રેણી ગુરુવાર, 13મી નવેમ્બરે (બપોરે 1.30 વાગ્યાથી) શરૂ થઈ રહી છે.
હવે વાત એવી છે કે નીતીશે મૂળ તો શુભમન ગિલના સુકાનમાં ટેસ્ટ મૅચમાં રમવાનું હતું, પરંતુ ધ્રુવ જુરેલને તાજેતરની સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર ટેસ્ટની બે અણનમ સેન્ચુરીને લીધે ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયું એટલે નીતીશનો કૅપ્ટન હવે બદલાઈ ગયો છે. તે રાજકોટમાં તિલક વર્માના સુકાનમાં ઇન્ડિયા-એ વતી રમશે.
ટીમ ઇન્ડિયાનું મૅનેજમેન્ટ ઇચ્છે છે કે નીતીશ ઈજામુક્ત બાદ રમતો જ રહે એટલે તેને ઇન્ડિયા-એની ટીમમાં સમાવવામાં આવ્યો છે. એક આધારભૂત સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે ` નીતીશ ટેસ્ટ ટીમમાં નથી એટલે તે કારણ વગર ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ જોતો બેઠો રહે એના કરતાં સાઉથ આફ્રિકા-એ સામેની ત્રણ બિનસત્તાવાર વન-ડે રમે એ તેના જ હિતમાં છે. આ ત્રણ બિનસત્તાવાર વન-ડે 13, 16, 19 નવેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઇન્ડિયા નીતીશને અવ્વલ દરજ્જાનો ઑલરાઉન્ડર બનાવવામાં આવે છે.’
ઇન્ડિયા-એની વન-ડે ટીમઃ
તિલક વર્મા (કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ (વાઇસ કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, નીતીશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, નિશાંત સિંધુ, માનવ સુથાર, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ, હર્ષિત રાણા, વિપ્રજ નિગમ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.



