સ્પોર્ટસ

ભારતના 587, ઇંગ્લૅન્ડના ત્રણ વિકેટે 77

ગિલ સાડાઆઠ કલાકની બૅટિંગમાં ત્રેવડી સદી ચૂક્યો

એજબૅસ્ટનઃ બ્રિટિશરોના ગઢ સમાન એજબૅસ્ટનમાં રમાતી બીજી ટેસ્ટ મૅચ (બપોરે 3.30થી લાઈવ)માં ગુરુવારનો બીજો દિવસ શુભમન ગિલ (269 રન, 387 બૉલ, 509 મિનિટ, ત્રણ સિક્સર, 30 ફોર)નો અને ભારતીય બોલર્સનો હતો. ભારતે 587 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યા બાદ યજમાન ઇંગ્લૅન્ડની ટીમનો સ્કોર રમતને અંતે 3/77 હતો. ત્રણમાંથી બે વિકેટ આકાશ દીપે અને એક મોહમ્મદ સિરાજે લીધી હતી. બ્રૂક 30 રને અને રૂટ 18 રને દાવમાં હતો.

બુમરાહના સ્થાને રમી રહેલા પેસ બોલર આકાશ દીપે (Akash Deep) બે બૉલમાં ઓપનર બેન ડકેટ (0) અને ઑલી પૉપ (0)ની વિકેટ લીધી હતી. ડકેટનો કૅચ શુભમન ગિલે અને પૉપનો કૅચ રાહુલે ઝીલ્યો હતો.

https://twitter.com/BCCI/status/1940806069321977924

સિરાજે ઓપનર ક્રૉવ્લીને તેના 19 રનના સ્કોર પર કરુણ નાયરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ કુલ 388 રન કરશે તો ફૉલોઑનથી બચી શકશે.

એ પહેલાં, ભારતે (India) 151 ઓવરમાં 587 રન કર્યા હતા. ગિલે (Gill) પહેલા બે દિવસ મળીને કુલ સાડાઆઠ કલાક સુધી ક્રીઝમાં રહીને ઇંગ્લૅન્ડના બોલર્સને જોરદાર લડત આપી હતી અનેક વિક્રમો પોતાના નામે કર્યા હતા. ખાસ કરીને તે ઇંગ્લૅન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારનારો પહેલો એશિયન કૅપ્ટન બન્યો છે. જોકે તે ટ્રિપલ સેન્ચુરી કરનાર (સેહવાગ અને કરુણ નાયર પછીનો) ત્રીજો ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ ચૂકી ગયો હતો. સેહવાગે બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી.

https://twitter.com/BCCI/status/1940806069321977924

ભારતના 587 રનમાં ગિલના 269 રન ઉપરાંત જાડેજાના 89 રન, યશસ્વીના 87 રન, વૉશિંગ્ટન સુંદરના 42 રન, કરુણ નાયરના 31 રન, રિષભ પંતના પચીસ રન સામેલ હતા. રાહુલ બે રન અને નીતીશ એક રન કરીને આઉટ થયો હતો, જ્યારે પૂછડિયાઓમાં આકાશ દીપે છ રન, સિરાજે આઠ રન અને ક્રિષ્નાએ અણનમ પાંચ રન કર્યા હતા. બશીરે ત્રણ તેમ જ ટન્ગ અને વૉક્સે બે-બે વિકેટ લીધી હતી. વૉશિંગ્ટનની મહત્ત્વની વિકેટ જૉ રૂટે મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button