`ફાસ્ટેસ્ટ’ સેન્ચુરિયન ટ્રેવિસ હેડે બાજી ફેરવી, હવે પંત-રેડ્ડી-અશ્વિનના હાથમાં ટેસ્ટનું ભાવિ
ઍડિલેઇડઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નું પરિણામ શનિવારના બીજા દિવસે જ લગભગ નક્કી થઈ ગયું હતું. આ પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર સેકન્ડ ઇનિંગ્સમાં પાંચ વિકેટે 128 રન હતો અને હજી 29 રનની સરસાઈ ઉતારવાની બાકી હતી.
રમતના અંત સુધી ક્રીઝ પર ટકી રહેલા બૅટર્સ રિષભ પંત (28 નૉટઆઉટ, પચીસ બૉલ, પાંચ ફોર) અને નીતિશ કુમાર રેડ્ડી (15 નૉટઆઉટ, 14 બૉલ, ત્રણ ફોર) તેમ જ પછીના બૅટર્સમાં ખાસ કરીને રવિચન્દ્રન અશ્વિન ટીમના બીજા દાવના સ્કોરને ક્યાં સુધી લઈ જાય છે એના પર આધાર છે.
આ મૅચની ચાર ઇનિંગ્સમાંથી અઢી ઇનિંગ્સ પૂરી થઈ ગઈ છે, હજી ત્રણ દિવસ બાકી છે અને ઑસ્ટ્રેલિયા પોતાના ફેવરિટ ઍડિલેઇડના મેદાન પર સિરીઝને 1-1ની બરાબરીમાં કરવાની તૈયારીમાં છે. જોકે ટીમ ઇન્ડિયા કુલ 157 રનની લીડ ઊતાર્યા બાદ બીજા 200 જેટલા રન બનાવશે તો ભારતને જીતવાનો મોકો મળી શકે.
આપણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ ઇંગ્લેન્ડની ટીમે સુવર્ણ અક્ષરે નામ નોંધાવ્યું, આ ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો
ભારતનો ટૉપ-ઑર્ડર ફરી એકવાર ફ્લૉપ ગયો. પ્રથમ દાવમાં ભારતની ચાર વિકેટ 81 રનમાં પડી ગઈ હતી અને બીજા દાવમાં 86 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
શનિવારે સવારે ટ્રેવિસ હેડ (140 રન, 141 બૉલ, ચાર સિકસર, સત્તર ફોર) ભારતીય ટીમ માટે હેડેક બન્યો હતો તો બપોરે પછી ઑસ્ટ્રેલિયાના પેસ બોલર્સ માથાનો દુખાવો બન્યા હતા. ભારતની પાંચમાંથી બે-બે વિકેટ પૅટ કમિન્સ અને સ્કૉટ બૉલેન્ડે તથા એક વિકેટ પ્રથમ દાવના હીરો મિચલ સ્ટાર્કે લીધી હતી. પહેલા દાવમાં સ્ટાર્કે 48 રનમાં ભારતની છ વિકેટ લીધી હતી.
ટ્રેવિસ હેડે શનિવારે આઠમી ટેસ્ટ-સદી ફટકારી હતી. તેણે ભારતીય બોલર્સનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો હતો. તેણે 111 બૉલમાં સદી પૂરી કરી હતી જે પિન્ક બૉલ ટેસ્ટ-મૅચના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ છે. તેની આ સદીની મદદથી ઑસ્ટ્રેલિયાએ 337 રન બનાવ્યા હતા અને 157 રનની સરસાઈ લીધી હતી.
આપણ વાંચો: રોહિત શર્માએ ઓપનિંગના સ્થાન વિશે ચોખવટ કરી દીધી…`કેએલ રાહુલ ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં…’
ભારતીય ફ્લૉપ ટૉપ-ઑર્ડરની વાત ફરી કરીએ તો ઓપનર યશસ્વી જયસ્વાલ (24 રન), કેએલ રાહુલ (સાત રન), શુભમન ગિલ (28 રન), વિરાટ કોહલી (11 રન) અને છઠ્ઠા નંબરે રમેલા કૅપ્ટન રોહિત શર્મા (છ રન) ફરી સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
ભારતની ઇનિંગ્સમાં 18મી ઓવર મિચલ સ્ટાર્કે કરી હતી જેમાં તેણે 50,000 પ્રેક્ષકોની હાજરીમાં ગિલનું મિડલ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું.
પ્રથમ દાવમાં નીતિશ રેડ્ડીએ કાંગારૂઓને બરાબરની ટક્કર આપી હતી અને 42 રન બનાવ્યા હતા જે ટીમના અગિયાર બૅટર્સમાં હાઈએસ્ટ હતા. હવે બીજા દાવમાં તેની અને રિષભ પંત વચ્ચેની છઠ્ઠી વિકેટ માટેની 23 રનની અતૂટ ભાગીદારી કેટલી મજબૂત બનશે એના પરથી ટીમ ઇન્ડિયાનું આ મૅચમાં ભાવિ નક્કી થઈ જશે.