હરમનપ્રીત-રિચાની હાફ સેન્ચુરીથી યુએઇને મળ્યો 202નો તોતિંગ લક્ષ્યાંક
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં આજે ભારતીય ટીમે સાધારણ શરૂઆત બાદ છેવટે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 201 રનના સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો અને યુએઇની ટીમને 202 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વિકેટકીપર રિચા ઘોષ ભારતની મજબૂત બૅટિંગ લાઇન-અપની બે સ્ટાર હતી.
યુએઇની કૅપ્ટન ઇશા ઓઝાએ ફીલ્ડિંગ પસંદ કરી ત્યાર બાદ ભારતે 23 રનના સ્કોરે પર સ્મૃતિ મંધાના (13 રન) અને બાવન રનના સ્કોર પર શેફાલી વર્મા (37 રન)ની વિકેટ ગુમાવીને સાધારણ આરંભ કર્યો હતો. વનડાઉન બૅટર દયાલન હેમલત્તા (બે રન) પણ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. જેમાઇમા રૉડ્રિગ્સ પણ ફક્ત 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
જોકે હરમનપ્રીત (66 રન, 47 બૉલ, એક સિક્સર, સાત ફોર) અને રિચા ઘોષ (64 અણનમ, 29 બૉલ, એક સિક્સર, બાર ફોર)ની જોડી વચ્ચેની પાંચમી વિકેટ માટેની 75 રનની ભાગીદારીએ ભારતને મોટી મુશ્કેલીથી બચાવ્યું હતું. તેમણે આ 75 રન 7.3 ઓવરમાં બનાવ્યા હતા. હરમનપ્રીત છેલ્લી ઓવરમાં રનઆઉટ થઈ હતી.
યુએઇની સાત બોલરમાંથી ઑફ-સ્પિનર કવિશા એગૉડાગેએ બે વિકેટ તેમ જ સમાઇરા ધરણીધર્કા તથા હીના હૉતચંદાનીએ એક-એક વિકેટ લીધી હતી. યુએઇની ટીમમાં મોટા ભાગની ખેલાડીઓ ભારતીય મૂળની છે. આ ટીમે સ્પર્ધામાં ટકી રહેવા આ મૅચ જીતવી અત્યંત જરૂરી છે.