અભિષેક શર્મા વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં! માત્ર આટલ રન દૂર

ચંદીગઢ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની બીજી મેચ આજે ગુરુવારે ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (IND vs SA 2nd T20I) ખાતે રમાશે. ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટર અભિષેક શર્મા (Abhishek Sharma) પાસેથી ચાહકોને મોટી ઇનિંગની આશા છે, આ દરમિયાન તે ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકે છે.
જો અભિષેક આજની મેચમાં 99 બનાવે તો તે વિરાટનો રેકોર્ડ તોડી શકે છે. 99 રન બનાવતાની સાથે જ અભિષેક એક કેલેન્ડર વર્ષમાં T20 ફોર્મેટ(ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL સહીત) માં સૌથી વધુ રન ફટકારનાર ભારતીય બેટર બની જશે.
વિરાટનો રેકોર્ડ:
વર્ષ 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ નવ વર્ષ બાદ તૂટી શકે છે. 2016 માં વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL સહીત T20 ફોર્મેટમાં 1,614 રન બનાવ્યા હતા, જેમાં 973 રન તેણે IPL માં બનાવ્યા હતાં.
અભિષેક શર્માનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં:
અભિષેક શર્માએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL સહીત T20 ક્રિકેટમાં કુલ 1,516 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ આ વર્ષે T20I ક્રિકેટમાં 18 મેચોમાં 45.47 ની શાનદાર એવરેજથી 773 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 743 રન IPL અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બનાવ્યા છે.
મતલબ વધુ 98 રન બનવતા જ અભિષેક વિરાટની બરાબરી કરી લશે અને વધુ એક બનાવતા જ તે વિરાટનો રેકોર્ડ તોડી દેશે. નોંધનીય છે કે અભિષેકે આ મામલે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે.
નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20I મેચમાં અભિષેક માત્ર 17 રન બનાવી શક્યો હતો, આજે તે મોટી ઇનિંગ રમે તેવી આશા છે. જો કે આજની મેચ બાદ પણ આ મહીને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે હજુ ત્રણ T20I મેચ રમશે. વિરાટનો રેકોર્ડ તોડવા અભિષેક પાસે હજુ ચાર મેચ છે.
એક વર્ષમાં T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
| ક્રમ | ખેલાડીનું નામ | વર્ષ | ઇનિંગ્સ | રન |
| 1 | વિરાટ કોહલી | 2016 | 29 | 1614 |
| 2 | અભિષેક શર્મા | 2025 | 37 | 1516 |
| 3 | સૂર્યકુમાર યાદવ | 2022 | 41 | 1503 |
| 4 | સૂર્યકુમાર યાદવ | 2023 | 33 | 1338 |
આ પણ વાંચો…સૅમસન સાથે ટીમમાં જો ટક્કર થશે તો શું કરશે જિતેશ શર્મા? ચેતવણી તેના જ શબ્દોમાં જાણીએ…



