શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા મળી; બીજી ટેસ્ટમાં રમવા અંગે સસ્પેન્સ

કોલકાતા: દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર થઇ છે, ભારતીય ટીમને કેપ્ટન શુભમન ગિલની ગેરહાજરીનું નુકશાન થયું, ગાળાના ભાગે ખેંચાણને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવામાં અહેવાલ છે કે ગઈ કાલે રવિવારે સાંજે ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, ગુવાહાટીમાં બીજી ટેસ્ટમાં તે રમશે કે નહીં એ હજુ સ્પષ્ટ થયું નથી.
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન સિમોન હાર્મરના બોલ પર બાઉન્ડ્રી ફટકારવા ગિલ સ્લોગ-સ્લિપ શોટ રમ્યો હતો, આ દરમિયાન તેને ગાળામાં ઝટકો લાગ્યો હતો. ટીમના ફિઝિયોએ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા તેની તપાસ કરી, ગિલ માત્ર ચાર રન બનાવીને રીટાયર્ડ હર્ટ થયો, અને પવેલિયનમાં ચાલ્યો ગયો. દિવસ આગળ વધતા તેની હાલત વધુ ખરાબ થતી ગઈ. તેને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, BCCIની મેડિકલ તેની હાલત પર નજર રાખી રહી હતી.
સૌરવ ગાંગુલી મળવા પહોંચ્યા:
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના વડા અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી રવિવારે ગિલને મળવા વુડલેન્ડ્સ હોસ્પિટલ પહોંચ્યા હતાં. 22 નવેમ્બરથી આસામના ગુવાહાટીમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં ગિલ રમશે કે નહીં એ અંગે હજુ ટીમ મેનેજમેન્ટે કોઈ નિર્ણય લીધો નથી. જો ગિલ બીજી ટેસ્ટના રમી શકે તો દેવદત્ત પડિકલને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. ટીમ આવતી કાલે મંગળવારે ગુવાહાટી માટે રવાના થશે.
જો ગિલ રમ્યો હોત તો…
ઇડન ગાર્ડન્સમાં રમાયેલી ટેસ્ટમાં ભારતની 30 રનથી હાર થઇ હતી, ટીમમાં ગિલની ગેરહાજરી સ્પષ્ટ પણે વર્તાઈ હતી. જો ગિલ બેટિંગ કરી શક્યો હોત તો કદાચ મેચનું પરિણામ કંઇક અલગ આવી શક્યું હોત, સિરીઝ બચાવવા ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે, એવામાં ગિલ બીજી ટેસ્ટમાં રમે એ મહત્વનું છે.
આ પણ વાંચો…ગિલની ઈજા, બવુમા-બૉશ્ચની ભાગીદારી, ટી-20 સ્ટાઇલમાં બૅટિંગઃ પરિણામ ભારતનો પરાજય



