IND vs SA: રહાણે અને પુજારાની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ! પસંદગી ના થતા અટકળો શરુ
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે, BCCI સચિવ જય શાહ, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. પસંદગીકારોએ આ પ્રવાસ માટે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા અને ત્રણેય ફોર્મેટ માટે ત્રણ અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી છે. સૂર્યકુમાર T20માં કમાન સંભાળશે, કેએલ રાહુલ વનડેમાં અને રોહિત શર્મા ટેસ્ટમાં સુકાનીપદ સંભાળશે.
ટેસ્ટ ટીમમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે ફરી એકવાર ચેતેશ્વર પૂજારાની પસંદગી કરવામાં આવી નથી. ભારતે છેલ્લે જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ મેચ રમી હતી. રહાણે એ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો.
જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન ખરાબ પ્રદર્શનને કારણે રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. IPL 2023માં શાનદાર પ્રદર્શન બાદ રહાણેએ ફરીથી ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી. લગભગ દોઢ વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યા બાદ રહાણે આ વર્ષે જુન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વાપસી કરી હતી. તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 89 અને 46 રનની ઇનિંગ રમી હતી. આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે આ પ્રવાસ પર તેણે બે ટેસ્ટની બે ઇનિંગ્સમાં માત્ર 11 રન જ બનાવ્યા હતા અને હવે તેને પડતો મૂકવામાં આવ્યો છે.
રહાણેએ અત્યાર સુધી 85 ટેસ્ટની 144 ઇનિંગ્સમાં 38.46ની એવરેજથી 5077 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 26 અડધી સદી સામેલ છે. 35 વર્ષીય રહાણેને સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાંથી બાકાત રાખવાનો અર્થ એ છે કે પસંદગીકારો હવે તેમની ભવિષ્યની યોજનાઓમાં તેને ધ્યાનમાં લઇ રહ્યા નથી. એ પણ શક્ય છે કે જ્યારે રહાણેએ પુનરાગમન કર્યું ત્યારે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હતા. તેથી પાંચમા નંબર પર રહાણે શ્રેષ્ઠ વિકલ્પ હતો. હવે શ્રેયસ અને રાહુલની વાપસી બાદ રહાણેને પડતો મૂકવામાં આવ્યો છે. જો આ બંને ફિટ રહેશે તો રહાણેના પુનરાગમનની શક્યતા ઘણી ઓછી છે.
35 વર્ષીય પુજારાના પુનરાગમનની શક્યતા પણ ઘણી ઓછી છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની પસંદગી અને ઋતુરાજ ગાયકવાડની હાજરીથી એ નિશ્ચિત છે કે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ હવે પૂજારા તરફ જોઈ રહ્યા નથી. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પણ યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત સાથે ઓપનિંગ કરી હતી અને શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ બંને સાઉથ આફ્રિકામાં પણ ઓપનિંગ કરે તેવી શક્યતાઓ છે. તે જ સમયે, ત્રીજા નંબર પર, જે પૂજારાની બેટિંગ પોઝિશન છે, શુભમન ગિલ અથવા ઋતુરાજ ગાયકવાડમાંથી એકને તક મળી શકે છે.
પૂજારા છેલ્લે આ વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. જેમાં તેણે એક ઇનિંગમાં 14 અને અને બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા હતા. ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર છે. પૂજારાએ આ વર્ષે રમેલી પાંચ ટેસ્ટ મેચની આઠ ઇનિંગ્સમાં 25.85ની એવરેજથી માત્ર 181 રન બનાવ્યા છે.