IND vs SA 3rd T20I: ધર્મશાળાની પિચ કેવી રહેશે? સેમસનને મળશે તક? વાંચો સંપૂર્ણ રીપોર્ટ

ધર્મશાળા: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ T20I મેચની સિરીઝની પહેલી બે મેચમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. આ સિરીઝની ત્રીજી મેચ આજે રવિવારે સાંજે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે (IND vs SA 3rd T20I at Dharamshala) રમાશે. બંને ટીમો આ મેચમાં જીત મેળવીને સિરીઝમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. આજની મેચના પીચ રીપોર્ટ અને સંભવિત પ્લેઇંગ-11 પર નજર કરીએ.
ધર્મશાળાની પિચ કેવી રહેશે?
ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચમાંથી બેટર્સને મદદ મળે છે, સામાન્ય રીતે આ મેદાનમાં હાઈ સ્કોરિંગ મેચો જોવા મળે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળે છે. થોડો સમય વિતાવ્યા બાદ બેટર માટે મોટા શોટ રમવા સરળ બની જાય છે. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હોવાથી આ મેદાન પર ડ્યુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
આજે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે!
ધર્મશાળા મેદાનમાં રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) મેચોમાં 180 થી વધુનો સ્કોર જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી અહીં પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ નથી. છેલ્લે વર્ષ 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન અહીં આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી, આ મેચ પણ હાઈ સ્કોરિંગ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 388 રન ખડક્યા હતાં, રન ચેઝ કરતા ન્યુઝીલેન્ડની ટીમે 383 કર્યા હતાં. આ મેદાન પર છેલ્લી T20I ફેબ્રુઆરી 2022માં રમાઈ હતી.
ધર્મશાલા સ્ટેડિયમ T20I રેકોર્ડ:
આ મેદાન પર કુલ 10 T20I મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમ 4 વાખ્ત જીતી છે, જયારે ટાર્ગેટ ચેઝ કરી રહેલી ટીમ 4 વખત જીતી છે. T20Iમાં આ મેદાન પર હાઈએસ્ટ સ્કોર 200/3 છે. આ મેદાન પર પ્રતિ ઓવર રન સરેરાશ 8.38 છે.
ભારત vs દક્ષિણ આફ્રિકા T20I હેડ-ટુ-હેડ:
ભારત અને દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં 33 T20I મેચ રમી છે, જેમાંથી ભારતે 19 અને દક્ષિણ આફ્રિકાએ 13 મેચ જીતી છે. એક મેચનું કોઈ પરિણામ ન આવ્યું.
શુભમન ગિલમાટે છેલ્લો ચાન્સ?
વાઈસ-કેપ્ટન શુભમન ગિલ T20Iમાં સતત નિષ્ફળ રહેવા છતાં, સિલેક્ટર્સ, કોચ અને કેપ્ટન તેને સતત તક આપી રહ્યા છે. BCCI તેને T20 ફોર્મેટમાં પણ કેપ્ટન બનાવવા ઈચ્છે છે, પરંતુ તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગિલ માટે આજે છેલ્લી તક હશે.
ગિલે છેલ્લી 17 T20Iમાંઇનિંગ્સમાં 50 રનનો આંકડો પણ પાર કર્યો નથી. આ ફોર્મેટમાં ઓપનર તરીકેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી શક્યો નથી. વર્ષ 2025 માં ગિલે 14 મેચોમાં 23.90 ની એવરેજથી ફક્ત 263 રન બનાવ્યા છે. જો ગિલ આજે ફરીથી નિરાશ કરે, તો અગામી મેચમાં તેને બહાર કરવામાં આવી શકે છે.
સેમસનને મળશે તક?
શુભમન ગિલ છે ત્યાં સુધી સંજુ સેમસનને ઓપનર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું અઘરું છે. ધર્મશાળાની પિચને ધ્યાનમાં લેતા, જો તેને તક આપવામાં આવે તો તે મિડલ ઓર્ડરમાં અથવા ફિનિશર તરીકે રમી શકે છે. જેના કારણે શિવમ દુબેને બહાર બેસવું પડી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11:
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ.
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ-11:
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રુઇસ, ડેવિડ મિલર, ડોનોવન ફેરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો જેન્સન, એનરિચ નોર્ટજે/કોર્બિન બોશ, ઓટનીલ બાર્ટમેન, લુંગી ન્ગીડી.
આ પણ વાંચો…IND vs SA 2nd ODI: રાયપુરની પિચ કોને મદદ કરશે? આ જગ્યાએ મેચ મફતમાં જોઈ શકશો



