સ્પોર્ટસ

IND vs SA 2nd Test: ભારતીય ટીમને મળ્યો 549 રનનો ટાર્ગેટ, જીત લગભગ અશક્ય

ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં જણાઈ રહી છે, આજે મેચના ચોથા દિવસે પણ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ભારતીય બોલર્સ દક્ષિણ આફ્રિકાના બેટર્સ સામે લાચાર જણાયાં. દક્ષિણ આફ્રિકાએ તેની બીજી ઇનિંગ 260/5 પર ડિકલેર કરી છે, ભારતને ટેસ્ટ જીતવા માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા હતા, જેની સામે ભરતિય ટીમ ફક્ત 201 રન જ બનાવી શકી, દક્ષિણ આફ્રિકાએ ભારતને ફોલ ઓન આપવાનું ટાળ્યું હતું અને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

આ પણ વાંચો: ગુવાહાટી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ આ સિદ્ધિ મેળવી; કુંબલે અને હરભજનની યાદીમાં જોડાયો…

ત્રીજા દિવસના અંતિમ સેશનમાં દક્ષિણ આફ્રિકાએ 288 રનની મોટી લીડ સાથે બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. રાયન રિકેલ્ટન અને એડન માર્કરામે સારી શરૂઆત કરી હતી. ભારતના ફાસ્ટ બોલરો મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ નવા બોલ સાથે નિષ્ફળ રહ્યા.

આજે ચોથા દિવસની શરૂઆતમાં રવિન્દ્ર જાડેજાએ રાયન રિકેલ્ટન (35) ને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી. રિકેલ્ટન અને એડન માર્કરામ વચ્ચે પ્રથમ વિકેટ માટે 59 રનની પાર્ટનરશીપ થઇ હતી. થોડા સમય પછી, ટેમ્બા બાવુમા 3 રન બનાવીને વોશિંગ્ટન સુંદરના બોલ પર આઉટ થયો. સ્ટબ્સ અને ટોની ડી જોર્ઝીએ 101 રનની પાર્ટનરશીપ કરી, રવિન્દ્ર જાડેજાએ જોર્ઝીને 49 રન પર આઉટ કર્યો.

આ પણ વાંચો: ગુવાહાટી ટેસ્ટમાં ચમત્કાર જ ભારતીય ટીમને બચાવી શકે છે! એક વાર આટલો મોટો ટાર્ગેટ ચેઝ થઇ ચુક્યો છે…

સ્ટબ્સ ક્રિઝ પર ટકી રહ્યો તે સદીની નજીક પહોંચ્યો, પણ ચુકી ગયો, જાડેજાએ તેને બોલ્ડ આઉટ કર્યો. સ્ટબ્સ 180 બોલમાં 94 રન બનાવીને આઉટ થયો. તેની વિકેટ પડતાની સાથે જ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઇનિંગ ડિક્લેર કરી.

ભારત તરફથી જાડેજાએ 62 રન આપીને ચાર વિકેટ ઝડપી, જ્યારે વોશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button