કિવી બોલરે જ કહ્યું, ‘107 રનનો લક્ષ્યાંક અમારા માટે આસાન નથી’
બેન્ગલૂરુ: પ્રથમ ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડે 356 રનની લીડ લીધી ત્યાર પછી ભારતે વળતી લડતમાં 462 રન બનાવ્યા, પરંતુ પ્રવાસી ટીમને ફક્ત 107 રનનો લક્ષ્યાંક આપી શકી એ જોતાં કરોડો ભારતીયો પ્રાર્થના કરશે કે રવિવારે યા તો કોઈ ચમત્કાર ભારતને જિતાડે અથવા વરસાદ પડે કે જેથી મૅચ ડ્રૉમાં જાય. જોકે કિવીઓની ટીમને કદાચ ભારતીય સ્પિનર્સનો ડર હશે એટલે તેમનામાંના જ એક પ્લેયરે પ્રતિક્રિયા આપી છે કે ‘107 રનનો લક્ષ્યાંક નાનો કહેવાય, પણ એટલા રન બનાવવા અમારા માટે આસાન વાત નથી.’
આ પણ વાંચો: બીજા દાવમાં ‘ટીમ ઇન્ડિયાથી પણ ચડિયાતા’ ચાર ભારતીય બૅટર, જાણો કેવી રીતે…
ભારતની 20માંથી 17 વિકેટ કિવી પેસ બોલર્સે લીધી છે, જ્યારે પ્રથમ દાવમાં કિવીઓની 10માંથી સાત વિકેટ ભારતીય સ્પિનર્સે (જાડેજા, આશ્વિન, કુલદીપ) લીધી હતી.
આ પણ વાંચો: હિટમૅન રોહિત મેદાન પર જવાનો રસ્તો જ ભૂલી ગયો!
ન્યૂ ઝીલૅન્ડના પેસ બોલર વિલિયમ ઑ’રુર્કેએ શનિવારે પત્રકારોને કહ્યું, ‘અમારી સામે વર્લ્ડ ક્લાસ ટીમ છે એટલે અમે 107 રનનો ટાર્ગેટ સહેલો નથી માનતા. જોકે અમારે આત્મવિશ્ર્વાસપૂર્વક રમીને આ ટાર્ગેટ મેળવવો જ પડશે.’
ઑ’રુર્કેએ એવું પણ જણાવ્યું હતું કે ‘અમે આશા રાખીએ કે રવિવારે વરસાદ પડે અને અમે જીતી જઈએ.’
વિરાટ કોહલી 16 વર્ષથી ભારત વતી રમે છે. બેન્ગલૂરુ ટેસ્ટમાં કુલ સાત વિકેટ લેનાર 23 વર્ષીય ઑ’રુર્કેએ પહેલા દાવમાં વિરાટને આઉટ કર્યો હતો. બેન્ગલૂરુની પિચ પર સારા પેસ અને બાઉન્સ મળતા હોવા બદલ ખુશ આ કિવી બોલરે પત્રકારોને કહ્યું, ‘હું અહીં પહેલા જ પ્રવાસમાં વિરાટ જેવા ગ્રેટ બૅટરની વિકેટ લઈ શક્યો એ બદલ ખુશ છું. હું નાનપણથી તેની મૅચો જોતો આવ્યો છું. અહીં આવીને તેની વિકેટ લઈ શક્યો એનો મને બેહદ આનંદ છે.’