મેદાન પર કોહલી અને રાહુલ પર ભડક્યો રોહિત શર્મા, જુઓ વાયરલ વીડિયો
બેંગલુરુઃ ન્યૂઝીલેન્ડ સામે બેંગ્લુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં જ ખખડી ગઈ હતી. ભારતના 5 બેટ્સમેનો ખાતું પણ ખોલી શક્યા નહોતા. કંગાળ બેટિંગ બાદ મેદાનમાં ઉતરેલા ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ જલદી વિકેટ લેવાની કોશિશ કરી હતી પરંતુ ફિલ્ડરોનો સહયોગ મળ્યો નહોતો. ખરાબ ફિલ્ડિંગના કારણે કેપ્ટન રોહિત શર્મા પણ ગુસ્સામાં જોવા મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં વિકેટ મળવાની આશા હતી પરંતુ ભારતીય ફિલ્ડર તેનો લાભ ઉઠાવી ન શક્યા. સિરાજે ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટૉમ લાથમને પેવેલિયન મોકલવાનો પૂરો પ્લાન બનાવી લીધો હતો. પરંતુ કેએલ રાહુલ સ્લિપમાં કેચ ઝડપી શક્યો નહોતો. જે બાદ કેપ્ટન રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો. જેનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
13મી ઓવરમાં સિરાજ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ટૉમ લાથમને શૉર્ટ ઓફ લેંથ બોલ ફેંક્યો હતો. આ બોલ પર લાથમે શોર્ટ રમવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બોલ બેટની કિનારીને વાગીને પ્રથમ અને બીજી સ્લિપ વચ્ચે ગયો હતો. પ્રથમ સ્લિપમાં કોહલી અને બીજી સ્લિપમાં કોએલ રાહુલ ઉભા હતા. બંને વચ્ચે કેચ પકડવાને લઈ થયેલા કન્ફ્યુઝનને લઈ બોલ થર્ડ મેન તરફ જતો રહ્યો હતો અને લાથમને ચાર રન મળ્યા હતા.
આપણ વાંચો: બેન્ગલૂરુમાં ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક ઝટકો!
ગાવસ્કરે પણ આલોચના કરી
ભારતીય ફિલ્ડર્સે કેચની તક ગુમાવતાં કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે પણ આલોચના કરી હતી. તેમણે કહ્યું, ભારતે મોટો મોકો ગુમાવી દીધો છે. સ્લિપમાં બદલાવ કરવાની તાત્કાલિક જરૂર છે.
ટેસ્ટ મેચનો કેવો રહ્યો દિવસ
ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માનો આ ફેંસલો ખોટો સાબિત થયો હતો. ભારત ટેસ્ટ ક્રિકેટમાં તેના ત્રીજા સૌથી ઓછા સ્કોર 46 રન પર સમેટાઈ ગયું હતું. જયસ્વાલ અને પંત સિવાય કોઈ બેટ્સમેન ડબલ આંકડામાં પહોંચી શક્યા નહોતા.
વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા સહિત પાંચ બેટ્સમેનો ખાતું પણ ખોલી શક્યા નહોતા, ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 15 રનમાં 5 વિકેટ અને વિલિયમ ઓરુકે 22 રનમાં 4 વિકેટ લીધી હતી. દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 3 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા અને ભારત પર 134 રનની લીડ લીધી હતી. કૉન્વેએ 91 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્ર 22 અને ડેરેલ મિચેલ 14 રને રમતમાં છે. ભારત તરફથી અશ્વિન, કુલદીપ યાદવ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.