ગુરુવારે પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ગઈકાલે મેચમાં હાર્દિક પોતાની પહેલી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે તેના પગમાં ઈજા થઈ હતી. ઈજા બાદ તેને ઓવર અધુરી છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું. ન્યુઝીલેન્ડ સામે રમાનારી મેચમાં તેણે બહાર બેસવું પડે એવી શક્યતા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે ધર્મશાલામાં મેચ રમાશે.
એક અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાનો સ્કેન રિપોર્ટ મુંબઈ મોકલવામાં આવશે. અહીં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ તેની તપાસ કરશે. આ પછી જ તે મેચ રમવા માટે ફિટ હોવા અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થશે. પંડ્યાના ડાબા પગનો એન્કલ મચકોડાઈ ગયો હતો. ગુરુવારે બાંગ્લાદેશ સામે તે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી વિરાટ કોહલીએ તેની અધુરી ઓવર પૂરી કરી હતી.
ઈજા બાદ પંડ્યાને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો. આ પછી તેને સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યો હતો. સ્કેન રિપોર્ટ આવ્યા બાદ તેને મુંબઈ મોકલવામાં આવશે અને ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ નિર્ણય લેવામાં આવશે. ભારતની આગામી મેચ રવિવારે ન્યુઝીલેન્ડ સામે છે. આ મેચ ધર્મશાલામાં રમાવાની છે. પંડ્યા માટે એક દિવસમાં ફિટ થવું ઘણું મુશ્કેલ છે. જો તે ફિટ નહીં હોય તો તે આ મેચમાંથી બહાર થઈ જશે.
અત્યાર સુધી ભારતે વર્લ્ડ કપ 2023માં ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમે પણ તેની તમામ ચાર મેચમાં જીત મેળવી છે, ભારત કરતા રનરેટ વધુ હેવાથી તે પ્રથમ ક્રમે છે. આ રવિવારનો મુકાબલો રોમાંચક રહેશે, જીતનાર ટીમ પ્રથમ ક્રમ મેળવશે.
Taboola Feed