બેંગલુરુઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર વિરાટ કોહલીના ખરાબ ફોર્મથી ચિંતિત નથી અને કહ્યું હતું કે આ સ્ટાર બેટ્સમેનમાં રનની ભૂખ એટલી જ છે જેટલી ડેબ્યૂ સમયે તેનામાં હતી, તેથી દરેક મેચ પછી તેનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી.
આ પણ વાંચો : વિરાટ કોહલીએ ગૌતમ ગંભીરને કિસ કરી? જાણો વાયરલ વીડિયો પાછળનું સત્ય
કોહલીએ છેલ્લી આઠ ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી (2023માં સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકા સામે (76) ફટકારી હતી. ન્યૂ ઝીલેન્ડ સામે બુધવારથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા તેના માટે ફોર્મમાં પરત આવવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ પછી ભારતીય ટીમે પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે.
ગંભીરે અહીં પત્રકારોને કહ્યું હતું કે વિરાટ વિશે મારો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ છે કે તે એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે અને તેણે આટલા વર્ષોથી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેની રનની ભૂખ એટલી જ છે જેટલી તેનામાં ડેબ્યૂ વખતે હતી. ગંભીરે કહ્યું કે “આ ભૂખ તેને વર્લ્ડ ક્લાસ ક્રિકેટર બનાવે છે.” મને ખાતરી છે કે તે આ શ્રેણીમાં અને ઓસ્ટ્રેલિયામાં પણ રન કરશે. ગંભીરે કહ્યું કે એક ખરાબ મેચ કે સીરિઝના આધારે કોઈ ખેલાડીનું મૂલ્યાંકન ન કરવું જોઈએ.
તેણે કહ્યું હતું કે દરેક મેચ પછીનું મૂલ્યાંકન યોગ્ય હોતું નથી. જો તમે દરેક મેચ પછી આવું કરવાનું શરૂ કરો છો તો તે તેમના માટે યોગ્ય રહેશે નહીં. આ એક રમત છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જો અમને સાનુકૂળ પરિણામ મળી રહ્યા છે તો ચિંતા કરવાની કોઈ વાત નથી.
આ પણ વાંચો : બૅટિંગ દરમ્યાન કોહલી બોલતો ‘ઓમ નમ: શિવાય’, ગંભીરે અઢી દિવસ હનુમાન ચાલીસા સાંભળ્યા હતા!
તેણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ દરરોજ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતો નથી. અમારું કામ ખેલાડીઓને સમર્થન આપવાનું છે. મારું કામ શ્રેષ્ઠ પ્લેઇંગ-11 પસંદ કરવાની છે. અમારે સતત આઠ ટેસ્ટ રમવાની છે અને બધાની નજર સારા પ્રદર્શન પર છે.