આવતી કાલથી બીજી ટેસ્ટ: પુણેમાં ભારતીય સ્પિનર્સનું રાજ કે કિવીઓની કમાલ?
જાણો શું હશે પ્લેઇંગ ઇલેવન અને પુણેમાં ટીમ ઇન્ડિયાનો રેકૉર્ડ...
પુણે: ન્યૂ ઝીલૅન્ડ સામેની બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પરાજયનો આંચકો સહેવો પડ્યો ત્યાર બાદ હવે આવતી કાલે (ગુરુવારે, સવારે 9.30 વાગ્યાથી) બન્ને દેશ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થશે જે જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ શ્રેણીમાં સમતુલા બનાવવી જ પડશે. કિવીઓ રવિવારે પહેલી ટેસ્ટ આઠ વિકેટે જીત્યા હતા. એ સાથે, ન્યૂ ઝીલૅન્ડની ટીમ 36 વર્ષે ભારતની ધરતી પર ટેસ્ટ જીતવામાં સફળ રહી હતી. જોકે હવે પુણેમાં સ્પિનર-ફ્રેન્ડ્લી પિચ પર ખરી કસોટી આપવાનો વારો કિવીઓનો છે.
આ પણ વાંચો : આ બૅટરે માત્ર 103 બૉલમાં ફટકારી રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી…
ભારતીય ટીમ મૅનેજમેન્ટે પ્લેઇંગ-ઇલેવન નક્કી કરવામાં યોગ્ય કૉમ્બિનેશન અને સંતુલન રહે એની ખાસ તકેદારી રાખવી પડશે.
આવતા મહિને પાંચ ટેસ્ટ માટેનો ઑસ્ટ્રેલિયા-પ્રવાસ શરૂ કરતાં પહેલાં ભારતીય ટીમે આવતી કાલે શરૂ થતી પુણેની બીજી ટેસ્ટ અને પહેલી નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છેલ્લી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાંની પોતાની નંબર-વન સ્થિતિને યોગ્ય સાબિત કરવી પડશે.
બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં પહેલો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બીજા દિવસે ભારે પવન વચ્ચે ત્રણ કિવી ફાસ્ટ બોલર્સે ભારતીય ટીમને 46 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી. જોકે હવે પુણેમાં ભારતીય સ્પિનર્સે કમાલ બતાવવાની છે.
કિવીઓ સાડાત્રણ દાયકે ભારતમાં ટેસ્ટ જીતવામાં સફળ રહ્યા, પણ હવે સિરીઝ ન જીતી જાય એનું રોહિત ઍન્ડ કંપનીએ ખાસ ધ્યાન રાખવું પડશે.
પુણેમાં આ પહેલાં 2017માં ઑસ્ટ્રેલિયા સામે ભારત 333 રનથી હારી ગયું હતું અને ત્યાર બાદ 2019માં સાઉથ આફ્રિકા સામે ભારતનો એક દાવ અને 137 રનથી વિજય થયો હતો
આ પણ વાંચો : Still Not Out: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા Mohammed Shami એ આપ્યું મહત્ત્વનું નિવેદન…
બન્ને દેશની સંભવિત ઇલેવન:
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન/કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ/આકાશ દીપ.
ન્યૂ ઝીલૅન્ડ: ટૉમ લેથમ (કૅપ્ટન), ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), ડેવૉન કૉન્વે, વિલ યંગ, રાચિન રવીન્દ્ર, ડેરિલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, મિચલ સૅન્ટનર, ટિમ સાઉધી/વિલ ઑ’રુર્કે, મૅટ હેન્રી, ઍજાઝ પટેલ.