
ICC વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ લીગ રાઉન્ડમાં તેની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે રમશે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાના કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપી શકે છે. આ સ્થિતિમાં બેટ્સમેનમાં ઈશાન કિશન અને બોલરમાં રવિચંદ્રન અશ્વિનને રમવાની તક મળી શકે છે. જો કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ શાનદાર ફોર્મમાં રહેલા બુમરાહ અને શમીને આરામ આપવાનું નક્કી કરે તો પ્રસિદ્ધ કૃષ્ણ અને શાર્દુલ ઠાકુરને પણ રમવાની તક મળી શકે છે.
જો કે રોહિત શર્મા અને ભારતીય ટીમ મેનેજમેન્ટને ટીમમાં વધુ ફેરફાર કરવાનું પસંદ કરતા નથી. હાર છતાં પોતાના ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કરે છે અને તે જ ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરે તેવો પ્રયાસ કરે છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં સતત આઠ મેચ જીતી છે, તેથી ટીમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી બધુ બરાબર રહ્યું છે. રોહિત ઓપનિંગમાં ઝડપી રન બનાવી રહ્યો છે અને ગિલ પણ સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. શ્રેયસ અય્યર પણ ચોથા નંબર પર ફોર્મમાં પરત ફર્યો છે અને રાહુલ ઈજામાંથી પરત ફર્યા બાદ પાંચમા નંબરે સારી ઇનિંગ્સ રમ્યો છે. સૂર્યકુમાર યાદવે છઠ્ઠા નંબર પર તક મળી ત્યારથી તેનું કામ સારી રીતે કરી રહ્યો છે અને જાડેજા પણ સાતમાં નંબર પર ફિનિશરની ભૂમિકા સારી રીતે ભજવી રહ્યો છે.
જાડેજા અને કુલદીપની જોડી બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ત્રિપુટી ફાસ્ટ બોલિંગમાં વિરોધી ટીમના બેટ્સમેનને હંફાવી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફારની શક્યતા નથી.
નેધરલેન્ડની વાત કરીએ તો આ ટીમમાં પણ ફેરફારની શક્યતા ઓછી છે. જોકે, મેક્સ ઓ’ડાઉડના સ્થાને વિક્રમજીત સિંહને તક આપવામાં આવી શકે છે, પરંતુ બંને ખેલાડીઓ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમમાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી.
બંને ટીમોમાંથી સંભવિત પ્લેઇંગ 11:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
નેધરલેન્ડ્સ: વેસ્લી બેરેસી, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન એન્ડ વિકેટકીપર), બાસ ડી લીડે, તેજા ન્દામાનુરુ, લોગાન વેન બીક, રોલ્ફ વાન ડેર મેરવે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.