IND vs NED: બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે સ્વર્ગ સમાન

બેંગલુરુઃ ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 45મી મેચ આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની આ છેલ્લી મેચ છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જે એક પણ મેચ હારી નથી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેની સતત 9મી જીત મેળવવા માંગશે. આ મેદાનને બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. ચિન્નાસ્વામી પર ચોગ્ગા અને છગ્ગાનો પુષ્કળ વરસાદ થશે. નાની બાઉન્ડ્રીના કારણે આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચો જોવા મળે છે. જોકે, પિચ સ્પિન બોલરોને પણ મદદ કરે છે.
ચિન્નાસ્વામીના મેદાનમાં અત્યાર સુધીમાં કુલ 42 મેચ રમાઈ છે. તેમાંથી 15 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો છે જ્યારે 23 મેચમાં રનનો પીછો કરતી ટીમનો વિજય થયો છે. એટલે કે બેંગલુરુના આ મેદાન પર પીછો કરવો વધુ ફાયદાકારક રહ્યો છે. પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 236 રહ્યો છે જ્યારે બીજી ઈનિંગમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 215 રહ્યો છે.