ભારત સામે હારેલી ઇંગ્લિશ મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ આ મોટું પગલું ભરાયું…

નૉટિંગમઃ અહીં શનિવારે રમાયેલી સિરીઝની પ્રથમ ટી-20માં એક તરફ જ્યાં ખુદ કેટલીક ભારતીય ખેલાડીઓએ અનેરી સિદ્ધિઓ હાંસલ કરવા ઉપરાંત ભારતને પણ રેકૉર્ડ-બ્રેક વિજય અપાવ્યો ત્યાં બીજી બાજુ પરાજિત યજમાન ટીમને દાઝયા પર ડામ મળ્યો હતો. વાત એવી છે કે નૅટ સિવર-બ્રન્ટના સુકાનમાં રમનાર ઇંગ્લિશ ટીમે ભારતની ઇનિંગ્સમાં 20 ઓવર પૂરી કરવા માટે નિર્ધારિત સમય કરતાં વધુ સમય લગાડ્યો એ બદલ (slow over rate) બ્રિટિશ ટીમની દરેક ખેલાડીની મૅચ ફીમાંથી 10 ટકા ભાગ કાપી નાખવામાં આવ્યો છે.
આઇસીસી (ICC) દ્વારા નિયુક્ત મૅચ રેફરી હેલન પૅકે ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટને બોલાવી હતી અને સ્લો ઓવર-રેટના કસૂર બદલ તેને અમ્પાયર્સની ફરિયાદને લગતો રિપોર્ટ વંચાવ્યો હતો. નૅટ સિવરે ભૂલ કબૂલી લીધી હોવાથી કોઈ ઔપચારિક સુનાવણી નહોતી રાખવામાં આવી.
આઇસીસીના નિયમ 2.22 મુજબ સ્લો ઓવર-રેટના ઉલ્લંઘન મુજબ દરેક ઓવર દીઠ પાંચ ટકા મૅચ ફી કાપવામાં આવી હતી. ઇંગ્લૅન્ડની ટીમથી નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી બોલિંગ કરવામાં આવી હોવાથી એની દરેક ખેલાડીની 10-10 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી હતી.
ભારતની કાર્યવાહક કૅપ્ટન સ્મૃતિ મંધાના (112 રન) મહિલા ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સેન્ચુરી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ભારત લાગલગાટ બીજી ટી-20માં 200-પ્લસનો સ્કોર કરનાર મહિલા ક્રિકેટનો પ્રથમ દેશ બન્યો હતો. બીજી ટી-20 મૅચ બ્રિસ્ટલમાં મંગળવાર, પહેલી જુલાઈએ (ભારતીય સમય મુજબ રાત્રે 11.00 વાગ્યાથી) રમાશે.
આપણ વાંચો : સ્મૃતિ મંધાનાની વિક્રમી સેન્ચુરી, ભારતનો વર્લ્ડ રેકૉર્ડ