IND VS ENG: પહેલી ટેસ્ટમાં અક્ષર પટેલના ‘મેજિક’ બોલની ચર્ચા કેમ, વીડિયો વાઈરલ?
હૈદરાબાદઃ અહીં ઇંગ્લેન્ડ સામે ભારતની પહેલી ટેસ્ટ મેચની શરુઆત થઈ હતી, જેમાં પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્પિનરનો જાદુ જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરી હતી. આ ત્રણ બોલરમાં અક્ષર પટેલની ‘મેજિક’ બોલિંગની લોકો ચર્ચા કરવા લાગ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થયો હતો.
પહેલી ટેસ્ટમાં અપેક્ષા પ્રમાણે ટીમ ઈંગ્લેન્ડના પ્લેયર ધમાકેદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે સામે પક્ષે ટીમ ઈન્ડિયાના સ્પિનરે કમાલની બોલિંગ કરી હતી. ટોસ જીતીને બેટિંગ લેનાર ઈંગ્લેન્ડની ટીમનો પહેલો દાવ 246 રન (64.3 ઓવર)માં સમેટાઈ ગયો હતો, જેમાં બેન સ્ટોક્સ (કેપ્ટન) સિવાય કોઈ બેટર મજબૂત સ્કોર (88 બોલમાં 70 રન) કરી શક્યા નહોતા. બીજી બાજુ ભારતીય ટીમના સ્પિનર બોલરોએ આક્રમક બોલિંગ કરી હતી, પરંતુ અક્ષર પટેલની ‘મેજિક’ બોલિંગથી ઈંગ્લેન્ડરના બેટર પણ દંગ રહી ગયા હતા.
પહેલી ટેસ્ટના બીજા સેશન દરમિયાન અક્ષર પટેલે કમાલની બોલિંગ નાખી હતી. બીજા સેશનમાં 33મી ઓવરમાં ઇંગ્લેન્ડના બેટર જોની બેરસ્ટૉ જામી ગયો હતો, તેથી ટીમ ઈન્ડિયા પર દબાણ વધ્યું હતું. બોલિંગમાં અક્ષર પટેલે બોલ તો એક કોર્નર પરથી ફેંક્યો હતો, પરંતુ બોલ પિચ પરથી ટર્ન થયો અને બોલ ઓફ સ્ટમ્પના બેલ્સ ઉડાવી દીધા હતા. જે રીતે અક્ષર પટેલનો બોલ ટર્ન થયો હતો તેને જોઈને બેરસ્ટૉ પર દંગ રહી ગયો હતો. અક્ષર પટેલે 13 ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. 13 ઓવરમાં 33 રન આપીને એક મેઈડન ઓવર પણ ફેંકી હતી.
વાસ્તવમાં અક્ષર પટેલે ઝડપેલી આ વિકેટનો વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ યૂઝરે મજાની પ્રતિક્રિયા આપી હતી. લેફ્ટ આર્મ સ્પિનર માટે આ ડ્રીમ બોલ કહેવાય છે. બેયરસ્ટોને આઉટ કર્યા પછી ઇંગ્લેન્ડના ક્રિકેટર પણ દંગ રહી ગયા હતા. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પિટરસને તો બે દિવસમાં ટેસ્ટ પૂરી થઈ જવાની આગાહી કરી હતી. બે દિવસમાં પૂરી થવાને બદલે ત્રણ દિવસમાં રિઝલ્ટ મળે તો નવાઈ નહીં, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.