WTC Points Table સર કરવા Team India માત્ર એક જીત દૂર, હવે રાજકોટમાં રાખવો પડશે રંગ
Ind vs Eng test 2024: વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં વાપસી કરી છે અને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી. જો કે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેઝબોલને પછાડી દીધા હતા. ‘બેઝબોલ’ એ ઈંગ્લેન્ડની બેટિંગની આક્રમક શૈલીનો ઉલ્લેખ કરે છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચની જીત ટીમ ઈન્ડિયાએ 106 રને પોતાના નામે કરી લીધી છે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. આ સાથે ભારતે પાંચ મેચોની સીરિઝ 1-1થી બરાબરી કરી લીધી છે.
હવે ભારતીય ટીમ 52.77 ટકા પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 55 ટકા પોઇન્ટ્સ સાથે ટોપ પર છે. જો ટીમ ઈન્ડિયા આગામી મેચ જીતે છે તો તેને પોઈન્ટ ટેબલમાં ટોપ પર જતાં કોઈ રોકી નહીં શકે.
ઈંગ્લેન્ડની વાત કરીએ તો આ હાર સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને જ રમી રહી છે. ઈંગ્લેન્ડની નીચે એકમાત્ર ટીમ શ્રીલંકા છે જેણે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી.
55 ટકા પોઈન્ટ સાથે ટોપ પર રહેનારી ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડવા માટે ટીમ ઈન્ડિયાએ આગામી મેચમાં ઈંગ્લેન્ડને હરાવવું પડશે. જેથી ભારતની પોઈન્ટ ટકાવારી 59.52 થશે અને ઓસ્ટ્રેલિયાને પાછળ ધકેલી દેશે.
આપને જણાવી દઈએ કે ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમનો બીજો દાવ 292 રનમાં જ પતી ગયો હતો. ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચ્યુરીની મદદથી પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી.
જ્યારે ગિલની સદીના આધારે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને 292 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી.
ભારત વતી બેટિંગમાં યશસ્વી અને શુભમન બાદ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન પણ જોવા મળ્યા હતા. આ બંનેએ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.