ઓવલ ટેસ્ટમાં કરેલી કઈ ભૂલ માટે સિરાજ થઈ રહ્યો છે ટ્રોલ ?

લંડન: ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની એન્ડરસન-તેંદુલકર ટ્રોફીમાં 1-3 થી ભારતીય ટીમની હાર થાય એવી પૂરી શક્યતા છે. લંડનના ઓવલ સ્ટેડીયમમાં રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ ખુબજ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. ભારતની આ હાર માટે મોહમ્મદ સિરાજે છોડેલો હેરી બ્રુકનો કેચ સૌથી મોટું ફેક્ટર સાબિત થઇ શકે છે.
હેરી બ્રુક જ્યારે 22 બોલ પર 25 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે તેણે પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર ઉભેલા સિરાજે હેરી બ્રુકનો કેચ પકડી તો લીધો, પરંતુ તે સંતુલન જાળવી ન શક્યો, તેનો પગ બાઉન્ડ્રી લાઇનને સ્પર્શ કરી ગયો. આ રીતે ટીમને બ્રુકની વિકેટ તો ના જ મળી પણ ઇંગ્લેન્ડની ટીમને 6 રન મળ્યા.
સિરાજને પોતાની ભૂલનો તુરંત ખ્યાલ આવ્યો તે થોડીવાર માથા પર હાથ રાખીને દર્શકો સામે જોતો રહ્યો. શરૂઆતમાં પ્રસિદ્ધને લાગ્યું કે તેણે વિકેટ લીધી છે, અને ખુશ થઇ ગયો, પરંતુ થોડીવાર પછી તેને ખ્યાલ આવ્યો કે શું બન્યું છે. જો બે બાદમાં સિરાજે પ્રસિદ્ધની માફી માંગી.
બ્રૂકે ઘા પર મરચું છાંટ્યું:
સિરાજની આ ભૂલ બાદ બ્રૂકે શાનદાર બેટિંગ કરી બ્રુકે માત્ર 91 બોલમાં સદી પૂરી કરી. તેણે 98 બોલમાં 2 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 111 રનની તાબડતોબ ઇનિંગ રમી. બ્રુક અને જો રૂટે 195 રનની પાર્ટનરશીપ કરી. જો સિરાજે બ્રૂકનો કેચ પકડી લીધો હોત, તો પરિસ્થિતિ ઘણી અલગ બની શકી હોત અને ભારતને મેચ પર પકડ બનવવાની તક મળી હોત.
વરસાદે મુશ્કેલી વધારી:
વરસાદને કારણે ભારતની મુશ્કેલીઓ વધુ વધી, ચોથા દિવસની રમત વહેલી પૂરી કરવામાં આવી. હવે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર છે, જ્યારે ભારતને જીત માટે 4 વિકેટની જરૂર છે. હાલ જેમી સ્મિથ 2 અને જેમી ઓવરટન ૦ રન પર ક્રીઝ પર છે. જોકે ઈંગ્લેન્ડ માટે 35 રન બનાવવા મુશ્કેલ નથી, છતાં ભારતીય ચાહકોને ધૂંધળી આશા છે.
સોશિયલ મીડિયા પર સિરાજ ટ્રોલ:
સિરાજની એક ભુલ ભારતીય ટીમને ઘણી મોંઘી સાબિત થઇ શકે છે, જે અંતે સિરીઝ હાર તરફ દોરી જઈ શકે છે. સોશિયલ મીડિયા પર સિરાજને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, લોકો અત્યારથી જ ભારતની હાર માટે સિરાજને જવાબદાર ઠેરવી રહ્યા છે. તો ઘણા યુઝર્સ તેનો બચાવ કરી રહ્યા છે, અને સિરાજની ભૂલને ક્રિકેટનો એક ભાગ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો…લંચ સુધીમાં જાડેજા-વૉશિંગ્ટનને બોલિંગ જ ન અપાઈ, ભારતને વિજય મળશે કે નહીં?