માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે | મુંબઈ સમાચાર

માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

માન્ચેસ્ટર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેન્દુલકર ટ્રોફીની ચોથી મેચ માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ (Manchester Test) રહી છે. મેચના ચાર દિવસની રમત પૂરી થઇ ગઈ છે, ભારતીય ક્રિકેટ ટીમ મુશ્કેલ પરિસ્થતીમાં જણાઈ છે, જો આ મેચમાં હાર મળશે તો ટીમ સિરીઝ હારી જશે. એવામાં ભારતીય ટીમ માટે રાહતના સમાચાર છે, પહેલી ઇનિંગમાં બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો રિષભ પંત બીજી ઇનિંગમાં બેટિંગ માટે ઉપલબ્ધ રહેશે.

માન્ચેસ્ટર ટેસ્ટમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા, જેના જવાબ ઇંગ્લેન્ડનની ટીમે તાબડતોબ બેટિંગ કરીને 669 રન ખડકી દીધા. બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી, પહેલી જ ઓવરમાં 0 ના સ્કોર પર ભારતે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. જો કે ત્યાર બાદ કેએલ રાહુલ અને કેએલ રાહુલે મોરચો સંભાળ્યો છે, ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 2 વિકેટે 174 રન રહ્યો. કેએલ રાહુલ 87 અને શુભમન ગિલ 78 રન બનાવીને અણનમ છે, ટીમ હજુ પણ ઇંગ્લેન્ડથી 137 રન પાછળ છે.

આપણ વાંચો:  રાહુલ-ગિલનો વળતો જવાબઃ રવિવારે કશમકશ…

આજે મેચનો પાંચમો દિવસ છે, જે નિર્ણાયક રહેશે. ભારતીય ટીમ માટે આ મેચ જીતવી અશક્ય લાગી રહી છે, ટીમ પ્રયાસ કરશે કે કોઈ રીતે મેચ ડ્રો કરાવવામાં આવે, જેના માટે બેટર્સે ક્રિઝ પર વધુ સમય વિતાવો પડશે. પાંચમા દિવસની રમત શરુ થાય એ પહેલા ભારતીય ટીમ માટે રાહતના સમાચાર છે, ઈજાગ્રસ્ત ઋષભ પંત પાંચમા દિવસે બેટિંગ કરી શકશે. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ વાતની પુષ્ટિ કરી છે.

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે ક્રિસ વોક્સે ફેંકેલો બોલ રિષભ પંતના જમણા પગમાં વાગ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. જો કે બાદમાં ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો હતો અને 54 રન બનાવ્યા હતાં. માન્ચેસ્ટરની મુશ્કેલ પીચ અને મેચની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઋષભ પંતનું પીચ પર ટકવું ખુબ જરૂરી છે.

31 જુલાઈથી લંડનના ઓવલ મેદાન પર રમાનારી સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ ઋષભ પંત રમી શકે એવી શક્યતા ઓછી છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button