IND vs ENG: ઇજાઓનો માર, બે સ્ટાર ખેલાડી સિરીઝમાંથી બહાર, ભારતીય ટીમ માટે કપરા ચઢાણ?

માન્ચેસ્ટરઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટ સિરિઝ ઈજા કારણે નહીં રમી શકે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ચોથી ટેસ્ટ માટે નવી ટીમ જાહેર કરી છે, જેમાં અંશુલ કંબોજને સામેલ કરવામાં આવ્યો છે. ભારત હાલ 1-2થી પાછળ છે, અને 23 જુલાઈથી શરૂ થનારો ચોથો ટેસ્ટ ‘કરો યા મરો’ જેવી નિર્ણાયક બની શકે છે. અગાઉથી ભારતીય ટીમ બે મેચ હાર્યું છે, તેથી ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે કપરા ચઢાણ થઈ શકે છે.
BCCIએ જણાવ્યું કે નીતિશ કુમાર રેડ્ડી ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હોવાના કારણે બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર થયા છે. તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરશે, અને ટીમે તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. બીજી તરફ, અર્શદીપ સિંહને બેકનહેમ ખાતે નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ દરમિયાન ડાબા અંગૂઠામાં ઈજા થઈ, જેને લીધે તેમને ટાંકા લેવા પડ્યા હતા. BCCIની મેડિકલ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે, પરંતુ તેઓ ચોથા ટેસ્ટમાં રમી શકશે નહીં.
ચોથા ટેસ્ટ માટે BCCIએ નવી સ્ક્વોડ જાહેર કરી છે, જેમાં શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, કુલદીપ યાદવ અને અંશુલ કંબોજનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અર્શદીપની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહનું ચોથા ટેસ્ટમાં રમવું લગભગ નિશ્ચિત મનાય છે, જે ટીમ માટે મોટો ફાયદો છે.
આપણ વાંચો: નવોદિત મિચલ ઑવેને વૉર્નર-પોન્ટિંગની બરોબરી કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ચોથો ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 3:00 વાગ્યે થશે. ઉલ્લેખનીય છે કે, શ્રેણીમાં 1-2થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા માટે આ મેચ નિર્ણાયક છે, કારણ કે હારથી શ્રેણી ગુમાવવાનું જોખમ છે. અર્શદીપ અને નીતિશની ગેરહાજરીએ ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતાને અસર પડી શકે છે.