રોહિતના છગ્ગા-ચોક્કાના વરસાદ પહેલાં પ્રેક્ષકોએ પાણીથી રીતસર નાહી લીધું, જાણો કેવી રીતે…
કટક: ઓડિશા રાજ્યના કટક શહેરમાં ગઈ કાલે 34 ડિગ્રી તાપમાન વચ્ચે બારામતી સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોએ ભારતીય બોલર્સના તરખાટ તેમ જ ભારતીય બેટર્સની ફટકાબાજી તો માણી, પરંતુ એ માણવા જતા તેમણે અસહ્ય ગરમીનો સામનો પણ કરવો પડ્યો હતો.
બારામતી સ્ટેડિયમમાં ફ્લડલાઇટની સમસ્યાએ તો હેરાન કર્યા જ હતા, પરંતુ એ પહેલાં મૅચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થઈ હતી એટલે તેમણે ગરમીનો સામનો તો કરવાનો જ હતો. જોકે સ્ટેડિયમના કર્મચારીઓએ થોડી વાર સુધી તેમના પર પાણીનો છંટકાવ કર્યો હતો.
વાત એવી છે કે ઇંગ્લૅન્ડનો કેપ્ટન જૉસ બટલર ટૉસ જીત્યો અને તેણે બેટિંગ પસંદ કરી એટલે પ્રેક્ષકોએ ઘણી વાર સુધી ગરમીમાં શેકાવાનું તો હતું જ. સ્વાભાવિક છે કે મોટા ભાગના પ્રેક્ષકોએ શરૂઆતથી જ ભારતીય બૅટર્સની બૅટિંગ માણવા મળશે એવી આશા રાખી હશે. જોકે એવું કંઈ ન થયું. એમાં ઇંગ્લૅન્ડના ટોપ-ઓર્ડરના બેટર્સે મોટી ભાગીદારીઓ કરી એટલે પ્રેક્ષકોની પરેશાની વધી ગઈ હતી. એ વખતે કટકમાં ઉષ્ણતામાન અચાનક વધી ગયું હતું અને ૩૪ ડિગ્રી થઈ જતાં છત વગરના સ્ટેન્ડમાં બેઠેલા અસંખ્ય પ્રેક્ષકો ગરમીથી પરેશાન હતા. ત્યારે સ્ટેડિયમના સ્ટાફે તેમના પર પાણીનો છંટકાવ કર્યો હતો અને તેમને થોડી ટાઢક આપી હતી.
આ પણ વાંચો : કટકમાં વન-ડેની ટિકિટો ખરીદવા માટે ભાગદોડ થઈ, અનેક ઘાયલ થયા હોવાનો અહેવાલ

ઇંગ્લૅન્ડે 304 રન બનાવ્યા પછી ભારતે 44.3 ઓવરમાં છ વિકેટે 308 રન બનાવીને મૅચ જીતી લીધી હતી અને સિરીઝની ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતની ઇંનિંગ્સમાં કુલ 9 સિક્સર ફટકારવામાં આવી હતી જેમાંથી સાત સિક્સર 119 રન બનાવનાર રોહિત શર્માની હતી. ભારતના દાવમાં કુલ 34 ચોક્કા ફટકારવામાં આવ્યા હતા જેમાંથી બાર ચોક્કા રોહિતના અને નવ ચોક્કા 60 રન બનાવનાર શુભમન ગિલના હતા.