ભારતીય ડ્રેસિંગ-રૂમમાં હનુમાન ચાલીસાઃ અર્શદીપને બોલિંગવાળા હાથમાં ઈજા…

બેકનમ (ઇંગ્લૅન્ડ): બુધવાર, 23મી જુલાઈએ મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટ રમાય એ પહેલાં શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમના ખેલાડીઓ એક કલાકની મુસાફરી કરીને લંડનથી બેકનમ (Beckenham) પહોંચ્યા ત્યારે બસમાંથી ઊતરતી વખતે તેઓ થાકેલા લાગ્યા હતા. જોકે કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં હળવી પ્રૅક્ટિસ શરૂ કરવા ઊતરતાં પહેલાં ડ્રેસિંગ-રૂમમાં અમુક ખેલાડીઓએ મનપસંદગીના ગીતો સાંભળ્યા હતા અને કેટલાક ખેલાડીઓએ હનુમાન ચાલીસા (Hanuman chalisa)ની ચોપાઈ સાંભળી લેવાનો મોકો નહોતો છોડ્યો.
જોકે ટીમ ઇન્ડિયાને થોડો આંચકો અપાવતી એક ઘટના બની હતી જેમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને નેટ પ્રૅક્ટિસ દરમ્યાન બૉલ રોકતી વખતે ડાબા હાથમાં ઈજા થઈ હતી. તે સાઇ સુદર્શનના શૉટમાં બૉલ અટકાવવા ગયો ત્યારે આ ઈજા પહોંચી હતી. પછીથી જ્યારે બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે અર્શદીપને થોડી બૅટિંગ કરવા બોલાવ્યો ત્યારે કૅપ્ટન ગિલે તેમને કહ્યું, અર્શદીપને હાથમાં થોડું વાગ્યું છે એટલે કદાચ બૅટિંગ નહીં કરી શકે.’ અર્શદીપ બોલિંગવાળા ડાબા હાથ પર પટ્ટી સાથે જોવા મળ્યો હતો. સહાયક-કોચ રાયન ટેન ડૉચેટે પીટીઆઇને કહ્યું, અર્શદીપને હાથ પર નાનો કાપો પડી ગયો છે. તેણે ટાંકા લેવા પડશે કે કેમ એ ટીમ-ડૉક્ટર જોઈને જણાવશે. તેની ઈજા કેવી છે એના પરથી આગામી મૅચ માટેનું અમે પ્લાનિંગ કરીશું.’
અર્શદીપ વધુ બોલિંગ કરવા ન આવ્યો એટલે બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે ભારતીય (India) બૅટ્સમેનો પ્રૅક્ટિસ કરાવવા થોડા બૉલ ફેંક્યા હતા.