સ્પોર્ટસ

મૅન્ચેસ્ટર ભારત માટે ખરાબ સપનાં જેવું, એકેય જીત નહીં અને બહુ ઓછા ભારતીયોની સેન્ચુરી…

મૅન્ચેસ્ટરઃ બ્રિટિશરો ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં 2-1થી આગળ થઈ ગયા બાદ હવે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ બુધવાર, 23મી જુલાઈથી ઑલ્ડ ટ્રેફર્ડ, મૅન્ચેસ્ટર (Manchester)માં રમાશે અને ત્યાં એકંદરે ભારતીય બૅટ્સમેનોનો રેકૉર્ડ ખરાબ રહ્યો છે. એ તો ઠીક, પણ મૅન્ચેસ્ટરમાં ભારત હજી સુધી ક્યારેય ટેસ્ટ મૅચ નથી જીતી શક્યું.

પાંચ મૅચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ મૅચ રમાઈ ચૂકી છે અને એમાં એકંદરે કૅપ્ટન શુભમન ગિલ, કે. એલ. રાહુલ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા સહિતના કેટલાક ભારતીય બૅટ્સમેનોનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે, પરંતુ મૅન્ચેસ્ટરમાં ભારતીય બૅટ્સમેનોનો પર્ફોર્મન્સ બહુ સારો નથી. આ સ્થળે ફક્ત આઠ ભારતીય બૅટ્સમેન સદી (Century) ફટકારી શક્યા છે. વિરાટ કોહલી જેવો દિગ્ગજ પણ આ મેદાન પર સદી નથી કરી શક્યો.

મૅન્ચેસ્ટરમાં ભારત છેલ્લે છેક 2014માં ટેસ્ટ રમ્યું હતું અને એમાં એમએસ ધોનીના સુકાનમાં ભારતીય ટીમનો ઍલસ્ટર કૂકની ટીમ સામે એક દાવ અને 54 રનથી પરાભવ થયો હતો. મૅન્ચેસ્ટરમાં ભારત છેક 1936ની સાલથી ટેસ્ટ-ક્રિકેટ રમે છે, પરંતુ 1936થી 2014 સુધીમાં ભારતની માત્ર નવ ટેસ્ટ રમાઈ છે જેમાંથી ચાર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો વિજય થયો છે અને પાંચ ટેસ્ટ ડ્રૉ રહી છે.

ભારતના જે આઠ બૅટ્સમેનો મૅન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)ના મેદાન પર સદી ફટકારી શક્યા છે એમાં સુનીલ ગાવસકર, પૉલી ઉમરીગર, સંદીપ પાટીલ, સૈયદ મુશ્તાક અલી, વિજય મર્ચન્ટ, અબ્બાસ અલી બેગ, સચિન તેન્ડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ છે.

આ મેદાન પર ભારતીયોમાંથી છેલ્લે છેક 1990માં સેન્ચુરી થઈ હતી. ત્યારે પહેલા દાવમાં અઝહરુદ્દીને 179 રન અને બીજા દાવમાં સચિને 119 રન કર્યા હતા. એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી. મૅન્ચેસ્ટરમાં ભારતીયોમાંથી ટેસ્ટ-મૅચોમાં સૌથી વધુ રન સુનીલ ગાવસકરે કર્યા છે. તેમણે અહીં ત્રણ ટેસ્ટમાં કુલ 242 રન કર્યા હતા. બીજા નંબરે વિજય મર્ચન્ટ (225 રન) છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button