IND vs ENG 4th T20I: ત્રીજી મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 બદલાશે! આ ખેલાડીને મળી શકે છે સ્થાન | મુંબઈ સમાચાર

IND vs ENG 4th T20I: ત્રીજી મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 બદલાશે! આ ખેલાડીને મળી શકે છે સ્થાન

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 T20I મેચની સિરીઝની ત્રણ મેચ (IND vs ENG 4th T20I) રમાઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી બે મેચમાં જીત મેળવીને સિરીઝમાં લીડ મેળવી છે, પરંતુ રાજકોટમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ટીમ ઇન્ડીયાને હાર મળી. આ સાથે જ ભરતીય ટીમે સિરીઝ પર કબજો મેળવવાની તક ગુમાવી દીધી, હવે ભરતીય ટીમે સિરીઝ જીતવા માટે બચેલી બે માંથી એક મેચ જીતવી ફરજીયાત છે. સિરીઝની ચોથી મેચ શુક્રવારે પુણે(Pune T20I)માં રમાશે, જેમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં મોટા ફેરફાર જોવા મળી શકે છે

રાજકોટમાં ટીમનો ફ્લોપ શો:
રાજકોટ T20માં ભારત પાસે લાંબી બેટિંગ લાઈન અપ હોવા છતાં બિનઅસરકારક રહી. હાર્દિક પંડ્યા સિવાય, કોઈ ક્રીઝ લાંબો સમય ટકી શક્યો નહીં. બોલિંગમાં, સ્પિનર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બાકીના બોલરોએ નિરાશ કર્યા. રવિ બિશ્નોઈ ફરી એકવાર નિષ્ફળ રહ્યો. મોહમ્મદ શમીએ 14 મહિના પછી કમબેક કર્યું પણ, કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે 3 ઓવર ફેંકી અને 8 થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા, અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. પહેલી બે મેચમાં ટીમના શાનદાર પ્રદર્શન છતાં ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો, અને હારનો સામનો કરવો પડ્યો. હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર ચોથી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કેવા કેટલાક ફેરફાર કરશે એ જોવાનું રહેશે.

Also read: IND VS ENG 3rd T20I: આ પાંચ કારણે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ; સુર્યાના ફોર્મ સામે સવાલ

રિંકુ અને શિવમ દુબેને તક મળી શકે છે:
સિરીઝની ત્રણ મેચમાં અત્યાર સુધી રિંકુ સિંહને રમવાની તક મળી નથી. રિંકુ ફિટ નહોતો, આગામી મેચમાં તેનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થવાની શક્યતા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં નથી, આવી સ્થિતિમાં રિંકુ મિડલ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખરાબ ફોર્મને કારણે ધ્રુવ જુરેલ પણ આગામી મેચમાંથી બહાર બેસી શકે છે. ઇન ફોર્મ નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તેમને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નથી. ત્રીજી મેચમાં ટીમની હાર બાદ, શિવમ દુબેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

રવિ બિશ્નોઈનું બહાર થવું નક્કી:
વરુણ ચક્રવર્તીએ પ્રથમ ત્રણ મેચમાં 10 વિકેટ લીધી છે જ્યારે રવિ બિશ્નોઈ ત્રણ મેચમાં એક જ વિકેટ લઇ શક્યો છે. બિશ્નોઈના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખીને, તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર અર્શદીપને તક મળી શકે. અર્શદીપને ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડ સામેની ચોથી T20I માટે ટીમ ઇન્ડિયાના સંભવિત પ્લેઇંગ 11:
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.

Back to top button