ભારતની બાંગ્લાદેશ સામે સૌથી મોટી 86 રનથી જીત…
નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગના ધમાકા પછી પ્રવાસી ટીમ પાણીમાં બેસી ગઈ
નવી દિલ્હી: ભારતે અહીં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 86 રનથી જીતીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. બાંગ્લાદેશ સામે ટી-20માં ભારતની આ સૌથી મોટી જીત છે.ભારતે નવ વિકેટે 221 રન બનાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 135 રન બનાવી શકી હતી. શનિવારે નિવૃત્તિ લેનાર મહમુદુલ્લાના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા. 74 રન બનાવ્યા પછી બે વિકેટ લેનાર ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ભારતે બૅટિંગ મળ્યા પછી આઇપીએલ-સ્ટાઇલની બૅટિંગથી 20 ઓવરમાં નવ વિકેટે 221 રન બનાવ્યા હતા. શરૂઆતના ત્રણ બૅટર સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ ત્યાર પછીના ત્રણ બૅટરે ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 200-પ્લસ પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
નીતિશ કુમાર રેડ્ડી (74 રન, 34 બૉલ, સાત સિક્સર, ચાર ફોર), રિન્કુ સિંહ (53 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને હાર્દિક પંડ્યા (32 રન, 19 બૉલ, બે સિક્સર, બે ફોર)ના આઇપીએલ જેવા ધમાકા બાંગ્લાદેશના ખેલાડીઓએ દિલ્હીના મેદાન પર પ્રત્યક્ષ જોયા હતા. રિયાન પરાગ (15 રન, છ બૉલ, બે સિક્સર) પણ રહી-રહીને બાંગ્લાદેશી બોલર્સને ભારે પડ્યો હતો.
નીતિશ-રિન્કુ વચ્ચેની ચોથી વિકેટ માટેની 108 રનની ભાગીદારી ભારતની ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું. ખાસ કરીને નીતિશે 10મી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
બાંગ્લાદેશે 222 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ નબળી શરૂઆત કરી હતી. 46 રનમાં ચાર વિેકેટ પડી ગઈ હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને મોડી (10મી ઓવર બાદ) બોલિંગ આપી હતી અને મયંકે આવતાંવેંત જાકર અલી (1)ની વિકેટ લીધી હતી. સૂર્યાએ કુલ સાત બોલરને બોલિંગ આપી હતી અને સાતેયને વિકેટ મળી હતી. નીતિશ ઉપરાંત વરુણ ચક્રવર્તીને પણ બે વિકેટ મળી હતી.
એ પહેલાં, બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ શૅન્ટોએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. 41 રનની અંદર બાંગ્લાદેશની પેસ-ત્રિપુટીએ ભારતના ટોચના ત્રણેય બૅટરને આઉટ કરી દીધા હતા. સંજુ સૅમસન (10 રન), અભિષેક શર્મા (15 રન) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (8 રન)ની વિદાય બાદ બાંગ્લાદેશને લગભગ આઠ ઓવર સુધી ચોથી વિકેટ નહોતી મળી.
ત્રીજી અને છેલ્લી ટી-20 હૈદરાબાદમાં શનિવાર, 12મી ઑક્ટોબરે (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે.