સ્પોર્ટસ

નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…

નવી દિલ્હી: ભારતે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી આઇપીએલ-સ્ટાઇલની બૅટિંગથી 20 ઓવરમાં નવ વિકેટે 221 રન બનાવ્યા હતા. શરૂઆતના ત્રણ બૅટર સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ ત્યાર પછીના ત્રણ બૅટરે ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 200-પ્લસ પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો : આઇસીસીના આ પ્લાનથી પાકિસ્તાનને લાગશે 440 વૉટનો ઝટકો! છીનવાઈ શકે ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ!

નીતિશ કુમાર રેડ્ડી (74 રન, 34 બૉલ, સાત સિક્સર, ચાર ફોર), રિન્કુ સિંહ (53 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને હાર્દિક પંડ્યા (32 રન, 19 બૉલ, બે સિક્સર, બે ફોર)ના આઇપીએલ જેવા ધમાકા બાંગ્લાદેશના ખેલાડીઓએ દિલ્હીના મેદાન પર પ્રત્યક્ષ જોયા હતા. રિયાન પરાગ (15 રન, છ બૉલ, બે સિક્સર) પણ રહી-રહીને બાંગ્લાદેશી બોલર્સને ભારે પડ્યો હતો.

નીતિશ-રિન્કુ વચ્ચેની ચોથી વિકેટ માટેની 108 રનની ભાગીદારી ભારતની ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું. ખાસ કરીને નીતિશે 10મી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. 21 વર્ષનો નીતિશ આક્રમક બૅટિંગમાં 74 રન બનાવીને મુસ્તફિઝુર રહમાનના ધીમા બૉલમાં એક્સ્ટ્રા-કવર પર કૅચ આપી બેઠો અને પૅવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : ‘હવે તો કીડી પણ મધમાખીને શીખવવા લાગી છે કે…’ હરભજને આવું કોના વિશે કેમ કહ્યું?

એ પહેલાં, બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ શૅન્ટોએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. 41 રનની અંદર બાંગ્લાદેશની પેસ-ત્રિપુટીએ ભારતના ટોચના ત્રણેય બૅટરને આઉટ કરી દીધા હતા. સંજુ સૅમસન (10 રન), અભિષેક શર્મા (15 રન) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (8 રન)ની વિદાય બાદ બાંગ્લાદેશને લગભગ આઠ ઓવર સુધી ચોથી વિકેટ નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button