સ્પોર્ટસ

ભારતની ટેસ્ટ સિરીઝમાં કોણ આપશે કૉમેન્ટરી?: ઑસ્ટ્રેલિયાની ધરતી પર હેડ-ટુ-હેડ મુકાબલામાં કોનો હાથ છે ઉપર?

પર્થઃ ઘણા અઠવાડિયાઓથી જેની રાહ જોવાઈ રહી હતી, જેના પરની જાત-જાતની સ્ટોરીઓ વાઇરલ થઈ હતી અને કેટલાક ખેલાડીઓની કારકિર્દીને જે નવો વળાંક આપી શકે એ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફી (પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ)ના આરંભને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જાણી લઈએ કે અત્યંત રસાકસીભરી અને રોમાંચક બની રહેનારી આ શ્રેણીમાં કયા ખ્યાતનામ કૉમેન્ટેટર્સ કૉમેન્ટરી આપશે અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર બન્ને દેશ વચ્ચે કોનો હાથ ઉપર છે.

આ પણ વાંચો : ‘થોડું જ્ઞાન પોતાના માટે પણ સાચવીને રાખો…’, મોહમ્મદ શમીએ સંજય માંજરેકરને ફટકાર લગાવી

22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધીની આ સિરીઝની પાંચ ટેસ્ટ અનુક્રમે પર્થ, ઍડિલેઇડ, બ્રિસ્બેન, મેલબર્ન અને સિડનીમાં રમાશે. ઍડિલેઇડની બીજી ટેસ્ટ ડે/નાઇટ છે અને એ પિન્ક બૉલથી રમાશે.

આખા ક્રિકેટજગતની નજર ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ સિરીઝ પર રહેશે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે છેલ્લી બન્ને શ્રેણી 2-1થી જીતી લીધી હતી એટલે આ વખતે શ્રેણી-વિજયની હૅટ-ટ્રિક કરવાની ટીમ ઇન્ડિયાને તક છે.

આ સિરીઝ માટેના ઇંગ્લિશ કૉમેન્ટેટર્સમાં રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસકર, મેથ્યૂ હેડન, વસીમ અકરમ, મુરલી વિજય, રસેલ આર્નોલ્ડ અને માર્ક નિકોલસનો સમાવેશ છે.

ગાવસકર, શાસ્ત્રી અને અકરમ હિન્દીમાં પણ કૉમેન્ટરી આપશે. અન્ય હિન્દી કૉમેન્ટેટર્સમાં ચેતેશ્વર પુજારા, સંજય માંજરેકર, જતીન સપ્રૂ અને દીપ દાસ ગુપ્તા સામેલ છે.

ભારતીય ક્રિકેટર્સ અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર કુલ બાવસ ટેસ્ટ રમ્યા છે જેમાંથી ભારતનો ફક્ત નવ ટેસ્ટમાં અને યજમાન ઑસ્ટ્રેલિયાનો 30 ટેસ્ટમાં વિજય થયો છે. 13 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.

જોકે છેલ્લી 10 ટેસ્ટમાં ભારતનો હાથ ઉપર છે. ઑસ્ટ્રેલિયાના મેદાનો પર ટીમ ઇન્ડિયા જે છેલ્લી 10 ટેસ્ટ રમી છે એમાં ભારતનો ફક્ત બે ટેસ્ટમાં પરાજય થયો છે અને ચાર ટેસ્ટ ભારતે જીતી છે. ચાર ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે.

આ પણ વાંચો : મહિલા હૉકીમાં ભારત ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ચીનને હરાવીને બન્યું ચૅમ્પિયન

ખાસ ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામે ભારત છેલ્લી ચારેય ટેસ્ટ-શ્રેણી જીત્યું છે. 2014-’15માં ઑસ્ટ્રેલિયામાં ભારતનો 0-2થી પરાજય થયો ત્યાર બાદ ભારતે આ ચાર શ્રેણી જીતી છેઃ 2017માં ભારતમાં ભારતનો 2-1થી વિજય, 2019માં ઑસ્ટ્રેલિયામાં ભારતનો 2-1થી વિજય, 2021માં ઑસ્ટ્રેલિયામાં ભારતનો 2-1થી વિજય અને 2023માં ભારતમાં ભારતનો 2-1થી વિજય.

બોર્ડર-ગાવસકર ટ્રોફીનું શેડ્યૂલ

(1) પ્રથમ ટેસ્ટ, 22-26 નવેમ્બર, પર્થમાં, સવારે 7.50 વાગ્યાથી
(2) બીજી ટેસ્ટ, 6-10 ડિસેમ્બર, ઍડિલેઇડમાં, સવારે 9.30 વાગ્યાથી
(3) ત્રીજી ટેસ્ટ, 14-18 ડિસેમ્બર, બ્રિસ્બેનમાં, સવારે 5.50 વાગ્યાથી
(4) ચોથી ટેસ્ટ, 26-30 ડિસેમ્બર, મેલબર્નમાં, સવારે 5.00 વાગ્યાથી
(5) પાંચમી ટેસ્ટ, 3-7 જાન્યુઆરી, સિડનીમાં, સવારે 5.00 વાગ્યાથી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button