રોહિતે મોટેથી બૂમ મારીને કહ્યું, `એ જૈસુ, ગલી ક્રિકેટ ખેલ રહા હૈ ક્યા?’
મેલબર્નઃ મહેન્દ્રસિંહ ધોનીની જેમ કૅપ્ટન રોહિત શર્મા જેમ શાંતિથી અને જરાસરખા પણ આક્રમક હાવભાવ વિના ભલભલા બોલરની બોલિંગ-ઍનેલિસિસ બગાડી નાખતો હોય છે એમ ફીલ્ડિંગ દરમ્યાન પણ સાથી ખેલાડીઓને તે શાંતિપૂર્વક સૂચના આપતો હોય છે. જોકે ગુરુવારે અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે કંઈક એવું બન્યું જેમાં રોહિતે યુવાન ખેલાડી યશસ્વી જયસ્વાલ પર ગુસ્સે થવું પડ્યું હતું. તેણે ફીલ્ડિંગમાં કચાશને કારણે જયસ્વાલને પોતાના સ્લિપના સ્થાન પરથી કડક શબ્દોમાં સંભળાવી દીધું હતું.
ખરેખર તો ગુરુવારે રોહિતે ફીલ્ડિંગ દરમ્યાન કેટલાક ખેલાડીઓને ખૂબ સખતાઈપૂર્વક સૂચના આપી હતી. સતત સતર્ક રહેવાની અને મિસ-ફીલ્ડ ન થાય એની ખાસ તકેદારી રાખવાનું તેણે તેમને કહ્યું હતું. એક બાજુ ભારતીય બોલર્સને મેલબર્નની સપાટ પિચ પર ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો ત્યાં બીજી બાજુ રોહિતે ફીલ્ડિંગને મજબૂત બનાવવા કોઈ કસર નહોતી છોડી.
એક તબક્કે સિલી પૉઇન્ટ પર (બૅટરની સૌથી નજીકના સ્થાને) ફીલ્ડિંગ કરી રહેલા જયસ્વાલ પર રોહિત ગુસ્સે થયો હતો.
રવીન્દ્ર જાડેજાના એક બૉલમાં ઑસ્ટ્રેલિયન બૅટર સ્ટીવ સ્મિથના શૉટમાં બૉલ પોતાની તરફ આવતો જોઈને યશસ્વીએ એને હાથથી રોકવાની કોશિશ કરવાને બદલે પોતાની જગ્યાએ કૂદ્યો હતો. ત્યારે રોહિતે બૂમ મારીને જયસ્વાલને કહ્યું, એ જૈસુ, ગલી ક્રિકેટ ખેલ રહા હૈ ક્યા?' રોહિતની આ કમેન્ટ પળવારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. તે જયસ્વાલ પર ક્રોધે ભરાયો હતો, પણ શાંત સ્વભાવના રોહિતને આ રીતે ગુસ્સામાં જોઈને ઘણા ક્રિકેટપ્રેમીઓને તેની આ બૂમ રમૂજી લાગી હતી અને તેમણે મીડિયામાં રમૂજી ટિપ્પણીઓ સાથે રોહિતને બિરદાવ્યો હતો. સ્લિપમાંથી રોહિતે ફરી ગુસ્સે થતાં જયસ્વાલને કહ્યું,
નીચે બૈઠ કે રહેના, જબ તક બૉલ ખેલેગા નહીં, ઉઠના નહીં.’
આ પણ વાંચો : મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે
રોહિતની આ સૂચના સાંભળીને વિકેટકીપર રિષભ પંતથી હસવું રોકી નહોતું શકાયું.