WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયા નહીં જોવા મળે! હાર બાદ પોઈન્ટ ટેબલમાં નુકશાન
મુંબઈ: પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25ની ચોથી મેચમાં ભારતની 184 રને હાર થઇ, આ હારને કારણે ભારત આ સિરીઝમાં 1-2થી પાછળ છે, હવે સિરીઝ હારથી બચવા ભારતને છેલ્લી મેચ જીતવી જરૂરી છે. આ હાર સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC) પોઈન્ટ ટેબલમાં મોટો ફટકો પડ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફાયદો થયો છે.
આ જીત બાદ પણ WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમની સ્થાન નિશ્ચિત થયું નથી, જો કે ટીમ ઇન્ડિયા પણ હજુ સત્તાવાર રીતે બહાર થઈ નથી. પરંતુ ભારતની રાહ મુશ્કેલ છે.
દક્ષીણ આફ્રિકા ફાઈનલમાં પહોંચી:
જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નંબર વન પર છે. એક દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને WTCની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. દક્ષિણ આફ્રિકાનું PCT હાલમાં 66.89 છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ બીજા સ્થાને છે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો PCT 58.89 હતો જે હવે વધીને 61.46 થયો છે. એટલે કે ઓસ્ટ્રેલિયાને મોટો ફાયદો થયો છે. જીત બાદ પણ ઓસ્ટ્રેલીયાની ટીમ નંબર વન સુધી પહોંચી શકી નથી, પરંતુ તેની ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ ઘણી વધી રહી છે.
આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર હોબાળો, ગાવસ્કર રોષે ભરાયા, ચીટર-ચીટરના નારા લાગ્યા
ટીમ ઇન્ડિયાને નુકશાન:
આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો PCT 55.88 હતો જે હવે ઘટીને 52.77 થઈ ગયો છે. જો કે ટીમ ઈન્ડિયા માટે ફાઈનલનો રસ્તો સંપૂર્ણ પણે બંધ નથી થયો, ફાઇનલમાં પહોંચવું હવે ભારતીય ટીમના હાથમાં નથી, તેણે અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડશે.
જો કે, પ્રબળ શક્યતા એવી જ છે કે આવતા વર્ષે ડબલ્યુટીસી ફાઈનલ ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા જોવા મળશે.
સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાઈકલમાં ભારતીય ટીમની આ છેલ્લી મેચ હશે.