IND VS AUS TEST: રોહિત શર્માએ કરી પ્રેક્ટિસ, કોહલીએ ટીમને આપી ‘ટિપ્સ’

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે વિરાટ કોહલી કેપ્ટન હતો ત્યારે તે ટ્રેનિંગ સેશન દરમિયાન દરેકના આકર્ષણનું કેન્દ્ર રહેતો હતો અને આજે તેણે અહીં પ્રેક્ટિસ દરમિયાન ફરીથી તેના સાથી ખેલાડીઓને સંબોધિત કર્યા હતા.
એડિલેડમાં ડે-નાઈટ મેચમાં 10 વિકેટથી હાર બાદ ભારતીય ટીમને શ્રેણીની નિર્ણાયક ત્રીજી ટેસ્ટ રમતા પહેલા થોડી પ્રેરણાની જરૂર હતી અને ટીમના યુવાનોને માર્ગદર્શન આપવા માટે ‘કિંગ’ કોહલીથી સારો કોઈ ‘માર્ગદર્શક’ હોઇ શકે નહી.
કોહલી જ્યારે કેપ્ટન હતો ત્યારે ટ્રેનિંગ સેશન દરમિયાન તે ખેલાડીઓ સાથે ઘણી વાતો કરતો હતો. કેપ્ટન પદ છોડ્યા બાદ તેણે આ બંધ કરી દીધું હતું. પરંતુ સતત ચાર હાર બાદ કેપ્ટન રોહિત પર પણ ભારે દબાણ છે અને ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી (ટેસ્ટ ડેબ્યૂના સંદર્ભમાં) શનિવારથી અહીં શરૂ થનારી મેચ પહેલા ટીમના ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. કોહલી અને વાઈસ-કેપ્ટન જસપ્રીત બુમરાહ ખેલાડીઓ સાથે ક વાત કરતા જોવા મળ્યા હતા અને રોહિત સહિત બધાએ તેમની વાતને ધ્યાનથી સાંભળી હતી.
રોહિતે નેટ્સમાં નવા અને જૂના બંને બોલથી પ્રેક્ટિસ કરી હતી. ગાબા ખાતેના તેના નેટ સત્ર દરમિયાન તે શાનદાર લયમાં જોવા મળ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્મા ઓપનિંગ કરશે કે છઠ્ઠા ક્રમે બેટિંગ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે.
કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ફરીથી નેટ્સમાં નવા બોલનો સામનો કર્યો હતો. રોહિત શરૂઆતમાં થોડા જૂના કૂકાબુરા બોલથી રમ્યો હતો અને બાદમાં તેણે નવા લાલ બોલથી પ્રેક્ટિસ કરી હતી. ગાબા પીચ પર ઘણું ઘાસ હશે જે હંમેશાં સીમ અને બાઉન્સ બંન્ને મદદ કરે છે.
આ પણ વાંચો : કેપ્ટનનો ઇશારો અને હોટેલમાં જ રહી ગયો યશસ્વી બિચારો
ટ્રેનિંગ સેશન પછી રોહિત અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચે લાંબી વાતચીત થઈ અને એવું લાગી રહ્યું હતું કે તેઓ ટેકનિક પર ચર્ચા કરી રહ્યા છે. આકાશ દીપને ભારતીય નેટ્સ સીઝનમાં સૌથી સાતત્યપૂર્ણ બોલર માનવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે યુવા હર્ષિત રાણાનું સ્થાન લેશે.
પર્થમાં ટેસ્ટ ડેબ્યૂમાં ચાર વિકેટ લીધા બાદ હર્ષિતે 16 ઓવરમાં 86 રન આપ્યા હતા પરંતુ કેપ્ટન રોહિતે યુવા ખેલાડીનો બચાવ કર્યો હતો. આકાશ દીપે બે વાર જયસ્વાલને પરેશાન કર્યો અને કેપ્ટને પણ તેને શાબાશી આપી હતી.