IND vs AUS T20I: ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ સિરીઝમાંથી બહાર, આ ખેલાડીઓનો સમાવેશ
ઓસ્ટ્રેલીયા સામેની પાંચ મેચોની T20 સિરીઝમાં ભારતીય ટીમ પ્રથમ 2 મેચ જીતીને 2-0થી આગળ છે. આજે ગુવાહાટીમાં ત્રીજી T20 મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વર્લ્ડ કપ રમી ચૂકેલા દિગ્ગજ ખેલાડીઓને હવે ઓસ્ટ્રેલિયા પરત મોકલી દેવામાં આવ્યા છે. સ્ટીવ સ્મિથ, એડમ ઝમ્પા, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, જોશ ઈંગ્લિસ અને સીન એબોટ હવે આ શ્રેણીમાંથી બહાર થઇ ગયા છે. જ્યારે તેમની જગ્યાએ બેન મેકડર્મોટ, જોશ ફિલિપ, બેન દ્વારશુઈસ અને ક્રિસ ગ્રીનને સામેલ કરવામાં આવ્યા છે.
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ભારતમાં રહેલા ખેલાડીઓને આરામ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે અને કેટલાક ખેલાડીઓ આવતીકાલે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આમાંના મોટા ભાગના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા.
હવે ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો એકમાત્ર સભ્ય છે જે આ T20I શ્રેણી માટેની ટીમનો ભાગ છે. હેડ, વર્લ્ડ કપ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો, પરતું હેડને આ T20 સિરીઝમાં પહેલા 2 મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવમાં આવ્યો ન હતો. હવે ત્રીજા મેચમાં તેને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળે એવી શક્યતા છે.
વર્તમાન T-20 શ્રેણીમાં ભારતની યુવા ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતે પ્રથમ T20 મેચ 2 વિકેટે જીતી હતી અને બીજી T20 મેચ 44 રને જીતી હતી. આજે ત્રીજી T-20 મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં અજેય લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.
ત્રીજી મેચ માટે ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા નથી. જોકે, શ્રેયસ ઐયર આગામી મેચથી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. તે રુતુરાજ ગાયકવાડને બદલે ટીમના વાઇસ-કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે.
અપડેટેડ ઑસ્ટ્રેલિયા ટી20 ટીમ: મેથ્યુ વેડ (સી), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેટ શોર્ટ, કેન રિચાર્ડસન
ભારતની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (c), રૂતુરાજ ગાયકવાડ (vc), ઇશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wk), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન, મુકેશ કુમાર, શ્રેયસ અય્યર (માત્ર છેલ્લી બે મેચ)