IND vs AUS T20: ભારત સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત
ODI વર્લ્ડ કપ 2023 પત્યા બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમાવાની છે. આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી છે. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ વેડ ટી20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો બીજો કેપ્ટન છે. આ પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ પર મિશેલ માર્શને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. આવતા વર્ષે જુન મહિનામાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે એ પહેલા વેડને પણ અજમાવવામાં આવી રહ્યો છે. સિરીઝ 23મી નવેમ્બરથી શરૂ થશે.
આ T20 સિરીઝ માટેની ટીમમાં પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને સ્થાન આપવામાં આવ્યું નથી. મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીન પણ ODI વર્લ્ડ કપ પછી સ્વદેશ પરત ફરશે. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વર્લ્ડ કપ પછી આ ટી20 સીરીઝ માટે ભારતમાં રહેશે. વોર્નરની ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે એવી ચર્ચા છે. હેડ અથવા સ્મિથ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે વેડને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વેડે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ફિન્ચે આ વર્ષે ફેબ્રુઆરીમાં નિવૃત્તિ લીધી હતી અને ઓસ્ટ્રેલિયા કાયમી કેપ્ટનની નિમણૂક પહેલા પ્રયોગો કરી રહ્યું છે. વેડ પહેલા પણ ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે અમે આ શ્રેણીમાં તેમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ.
નોંધનીય છે કે ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર ત્રણ ટી20 મેચ રમી છે.
ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ T20 સિરીઝ 23 નવેમ્બરથી શરૂ થશે, પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ પછી બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં, ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં, ચોથી મેચ 1લી ડિસેમ્બરે નાગપુરમાં અને પાંચમી મેચ 3જી ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે. આ પછી, ઓસ્ટ્રેલિયન ટીમે 14 ડિસેમ્બરથી પાકિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમવાની છે.
ઓસ્ટ્રેલિયન ટીમ:
મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, શોન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.