ભારત સામેની ODI અને T20I સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત; કમિન્સની જગ્યાએ આ ખેલાડી કેપ્ટન

મેલબોર્ન: વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જવાની છે, આ પ્રવાસ દરમિયાન ભારત ઓસ્ટ્રેલીયા સામે ત્રણ ODI અને પાંચ T20I મેચ રમશે. ODI સિરીઝ માટે ભારતીય ટીમની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી, હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ તેની ટીમની જાહેરાત કરી છે. મંગળવારે નેશનલ સિલેકશન પેનલે ODI સિરીઝ સાથે બે T20I માટે પણ ટીમની જાહેરાત કરી છે.
ODI સિરીઝ માટેની 15 સભ્યોની ટીમમાં પેટ કમિન્સને સ્થાન મળ્યું નથી, તે હાડકાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઇ શક્યો નથી, તેની જગ્યાએ મિશેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે. વિસ્ફોટક બેટર ગ્લેન મેક્સવેલ ન્યુઝીલેન્ડમાં થયેલા ફ્રેક્ચર કાંડામાંથી સ્વસ્થ થઇ શક્યો નથી, જેથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. મેથ્યુ શોર્ટ અને મિશેલ ઓવેન પણ ટીમમાં પરત ફર્યા છે. મિશેલ સ્ટાર્ક ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
કમિન્સની ગેરહાજરીમાં, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ ટીમના મુખ્ય પેસ બોલર રહેશે, 15 સભ્યોની ટીમમાં ઝેવિયર બાર્ટલેટ અને બેન દ્વારશુઇસનો પણ સામેલ કરવામાં આવ્યા છે.
29 વર્ષીય બેટરનું ડેબ્યુ થશે!
29 વર્ષીય મેથ્યુ રેનશોને પણ ટીમ સ્થાન આપવામાં આવ્યું છે, જેને ભારતીય ટીમ સામે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ત્યાર સુધી 14 ટેસ્ટ રમી ચૂકેલા રેનશોને 2022માં પાકિસ્તાનમાં કવર તરીકે ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી ODIમાં ડેબ્યૂની તક મળી નથી. રેનશોએ ગત ડોમેસ્ટિક સિઝનમાં ક્વીન્સલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 50ની સરેરાશથી 350 રન બનાવ્યા હતા. તાજેતરમાં શ્રીલંકા A સામે પણ તેણે 80, 106 અને 62 રન બનાવ્યા હતા.
એલેક્સ કેરી પર્થમાં રમાનારી પ્રથમ વનડે નહીં રમી શકે, તે શેફિલ્ડ શીલ્ડના બીજા રાઉન્ડમાં રમશે. તેની જગ્યાએ જોશ ઇંગ્લિસ વિકેટ કીપિંગ કરી શકે છે.
T20માં આ બે ખેલાડીઓ પરત ફર્યા:
પ્રથમ બે T20I માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં જોશ ઇંગ્લિસ અને નાથન એલિસને વાપસી થઇ છે. ઇંગ્લિસ તેને થયેલી પગની ઇજામાંથી સ્વસ્થ થઈ ગયો છે, જ્યારે એલિસ બાળકનો જન્મ થતા પરિવાર સાથે સમય વિતાવવા ગયો હતો.
ભારત સામેની ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
મિશેલ માર્શ (c), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા.
ભારત સામેની T20I (પ્રથમ બે મેચ)માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.
આ પણ વાંચો…ઓહ નો! અમેરિકાના ખેલાડીએ જીત્યા પછી વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશનું કિંગ ઉપાડીને ક્રાઉડમાં કેમ ફેંક્યું?