
મુંબઈ: ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની શરૂઆત પ્રચંડ જીત સાથે કરી છે. હવે આ સિરીઝની બીજી મેચ 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ શરુ થશે, ભારતીય ટીમ (Indian Cricket Team) આ મેચ માટે સજ્જ થઇ રહી છે. એવામાં આહેવાલ છે કે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર (Guatam Gambhir)આજે મંગળવારે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે.
એક મીડિયા અહેવાલ મુજબ વ્યક્તિગત કારણોસર કોચ ગૌતમ ગંભીર ભારત આવશે, પરંતુ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ પહેલા તેઓ ટીમ સાથે જોડાઈ જશે.
ભારતીય ટીમની પ્રેક્ટીસ:
ભારતીય ટીમ ડે-નાઈટ ટેસ્ટ (પિંક બોલ ટેસ્ટ) મેચની પ્રેક્ટીસ માટે બુધવારે કેનબેરા જશે. પિંક બોલ ટેસ્ટ 6 ડિસેમ્બરથી રમાશે. ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં, ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ કેપ્ટન રોહિત શર્મા સાથે પરામર્શ કરીને ટ્રેનીંગ સેશન પર દેખરેખ રાખશે.
રોહિત શર્મામાં એક્શનમાં જોવા મળ્યો:
પહેલી મેચમાં ટીમની બહાર રહેનાર, રોહિત શર્મા રવિવાર 24 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. રોહિત શર્મા સોમવારે પર્થમાં ટીમના પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન અને કોમેન્ટેટર ડેવિડ વોર્નરે રોહિત શર્માની પ્રેક્ટિસ વિશે માહિતી આપતાં કહ્યું, “…..અત્યારે લંચ બ્રેક દરમિયાન નેટ્સમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા છે, જે હમણાં જ ઓસ્ટ્રેલિયા આવ્યો છે. તે નેટમાં પોતાની ટીમના બોલરો સામે સારો દેખાવ કરી રહ્યો છે. એડિલેડ પિંક બોલ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિતને મેદાન પર જોવા માટે ઉત્સુક છીએ.”
BCCIએ રોહિતનો નેટ્સમાં પપ્રેક્ટીસ કરવાનો વિડીયો શેર કર્યો છે.
પાંચ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધા બાદ ભારત હવે દબદબો મજબુત કરવા પ્રયત્ન કરશે. જયારે ઓસ્ટ્રેલીયન ટીમ ઘરઆંગણે મળેલી હારનો બદલો લેવા તલપાપડ છે.