IND vs AUS 4th T20I: જે સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે ત્યાં વીજળી જ નથી, મેચ જનરેટરના ભરોશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની ચોથી મેચ આજે શુક્રવારે સાંજે સાત વાગ્યે છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝમાં હાલમાં 2-1થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ જો આજે આ મેચ જીતી જશે તો તે સિરીઝ પણ જીતી જશે. ત્યારે મળતી માહિતી મુજબ નારાયણ સિંહ સ્ટેડિયમમાં વીજળીનો પુરવઠો જ નથી. સ્ટેડિયમમાં ઓથોરીટીએ વીજળીનું બિલ ન ચુકવતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ પર 3.16 કરોડ રૂપિયાનું બિલ બાકી છે, જેના કારણે 5 વર્ષ પહેલા સ્ટેડિયમનું વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જો કે, 2009થી વીજળીનું બિલ ચૂકવવામાં આવ્યું નથી. છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વિનંતી પર અસ્થાયી કનેક્શન આપવામાં આવ્યું હતું, પરંતુ તે પણ ફક્ત દર્શકોની ગેલેરી અને બોક્સને માટે જ. આજે મેચ દરમિયાન ફ્લડલાઈટ માટે જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે.
રાયપુરના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ સ્ટેડિયમના કામચલાઉ વીજળી જોડાણની ક્ષમતા વધારવા માટે અરજી કરી છે. હાલમાં કામચલાઉ જોડાણની ક્ષમતા 200 KV છે. તેને 1000 KVમાં અપગ્રેડ કરવાની અરજી મંજૂર કરવામાં આવી છે, પરંતુ તેના પર કામ હજુ શરૂ થયું નથી.
અગાઉ 2018માં પણ વીજ બિલ ન ભરવાના કારણે હોબાળો થયો હતો. 2018 માં, જ્યારે હાફ-મેરેથોનમાં ભાગ લેનારા એથ્લેટ્સને ખબર પડી કે સ્ટેડિયમમાં વીજળીનો પુરવઠો નથી ત્યારે હોબાળો થયો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે 2009 થી વીજ બિલ ચૂકવવામાં આવ્યું નથી અને તે 3.16 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમના નિર્માણ પછી, તેની જાળવણીની જવાબદારી જાહેર બાંધકામ વિભાગ (PWD)ને આપવામાં આવી હતી, જ્યારે બાકીનો ખર્ચ રમતગમત વિભાગ દ્વારા ઉઠાવવાનો હતો. વીજ બિલ ન ભરવા માટે બંને વિભાગો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. વીજકંપનીએ પીડબલ્યુડી અને રમતગમત વિભાગને લેણાંની ચુકવણી માટે ઘણી વખત નોટિસ મોકલી હતી, પરંતુ હજુ સુધી કોઈ ચુકવણી કરવામાં આવી નથી. 2018 માં વીજળીનું કનેક્શન કાપવામાં આવ્યું ત્યારથી, સ્ટેડિયમમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ છે.