રો-કોએ રોક્યો વાઇટવૉશઃ ઑસ્ટ્રેલિયા ઐતિહાસિક સિદ્ધિથી વંચિત | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રો-કોએ રોક્યો વાઇટવૉશઃ ઑસ્ટ્રેલિયા ઐતિહાસિક સિદ્ધિથી વંચિત

રોહિતે 50મી ઇન્ટરનૅશનલ સેન્ચુરીથી ટીકાકારોની બોલતી બંધ કરીઃ કોહલીના ધમાકેદાર અણનમ 74 રનઃ ભારત નવ વિકેટે જીત્યું

સિડનીઃ રો-કો તરીકે જાણીતા રોહિત અને કોહલીની જોડીએ ભારતને અહીં શનિવારે સિરીઝની છેલ્લી વન-ડેમાં પરાજયથી બચાવીને ટીમની આબરૂ સાચવી લીધી હતી. ઑસ્ટ્રેલિયા ક્યારેય ભારત સામે વન-ડેમાં વાઇટવૉશથી નહોતું જીતી શક્યું અને શનિવારે પણ એ ઐતિહાસિક ઉપલબ્ધિથી વંચિત રહી ગયું. રો-કોએ કાંગારુંઓને એ વિરલ સિદ્ધિ મેળવતાં રોક્યા હતા. જોકે ઑસ્ટ્રેલિયાએ આ શ્રેણીની ટ્રોફી 2-1થી જીતી લીધી હતી.

38 વર્ષના રોહિત શર્મા (121 અણનમ, 125 બૉલ, 159 મિનિટ, ત્રણ સિક્સર, તેર ફોર) અને 37 વર્ષના વિરાટ કોહલી (74 અણનમ, 81 બૉલ, 111 મિનિટ, સાત ફોર)ની વિશ્વ વિખ્યાત જોડીએ બીજી વિકેટ માટે 170 બૉલમાં 168 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતની નૌકા પાર કરાવી હતી. તેમણે પોતાની નિવૃત્તિની રાહ જોઈ રહેલા ટીકાકારોની બોલતી બંધ કરી છે. ભારતને જીતવા માટે 237 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો અને 38.3 ઓવરમાં ભારતે એકમાત્ર શુભમન ગિલ (24 રન, 26 બૉલ, 47 મિનિટ, એક સિક્સર, બે ફોર)ની વિકેટના ભોગે 237 રન કરીને યાદગાર વિજય મેળવી લીધો હતો. ટૂંકમાં, ભારતે નવ વિકેટ અને 69 બૉલ બાકી રાખીને જીત હાંસલ કરી હતી.

આ પણ વાંચો: રો-કો શનિવારે રોકી શકશે વાઇટવૉશ?

ઑસ્ટ્રેલિયામાં બન્નેની છેલ્લી મૅચ?

રોહિત શર્મા અને વિરાટ કોહલીની આ કદાચ છેલ્લી ઑસ્ટ્રેલિયન ટૂર હતી અને એમાં તેમણે અસ્સલ સ્ટાઇલમાં રમીને ભારતને પરાજયથી બચાવ્યું. રોહિતે તેની ટિપિકલ સ્ટાઇલમાં સહજતાથી શૉટ ફટકાર્યા હતા અને રનમશીન સતત ચાલુ રાખ્યું હતું. તે શૉટ-સિલેક્શનમાં પણ ખૂબ સાવચેત હતો. બીજી તરફ, કોહલીનો પણ એવો જ અભિગમ હતો અને રોહિત સાથેની જોડીમાં તેણે બહુ સારી ગણતરીથી રન બનાવતા રહીને ટીમ ઇન્ડિયાનો વિજય આસાન બનાવ્યો હતો. ભારત કરતાં ઑસ્ટ્રેલિયાની સ્પિન-તાકાત નબળી હતી જેનો બન્ને પીઢ બૅટ્સમેનોએ ફાયદો લીધો હતો. સાત બોલરમાંથી એકમાત્ર હૅઝલવૂડને એક વિકેટ મળી હતી. મુખ્ય સ્પિનર ઍડમ ઝૅમ્પાની 10 ઓવરમાં 50 રન થયા હતા અને તેને એકેય વિકેટ નહોતી મળી.

હર્ષિતને ચાર, કુલદીપને મળી એક વિકેટ

એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં 236 રન કર્યા હતા જેમાં મૅટ રેન્શૉના 56 રન હાઇએસ્ટ હતા, જ્યારે કૅપ્ટન મિચલ માર્શનું 41 રનનું યોગદાન હતું. ઑસ્ટ્રેલિયન ટીમે છેલ્લી સાત વિકેટ ફક્ત 53 રનમાં ગુમાવી હતી. 34મી ઓવરમાં તેમનો સ્કોર 3/183 હતો અને છેવટે 46.4 ઓવરમાં તેમનો દાવ 236 રનના સ્કોર પર પૂરો થયો હતો. પેસ બોલર હર્ષિત રાણાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. તેની બોલિંગમાં સારી પેસ (ઝડપ) હતી તેમ જ તેને સિડની (Sydney)ની નવી પિચમાંથી સારા બાઉન્સ પણ મળ્યા હતા. વૉશિંગ્ટન સુંદરને બે વિકેટ મળી હતી. કુલદીપ યાદવ (10-0-50-1)ને સિરીઝમાં (નીતીશ રેડ્ડીના સ્થાને) પહેલી જ વાર રમવા મળ્યું અને તે થોડો ખર્ચાળ રહ્યો હતો, પરંતુ મિચલ સ્ટાર્કની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અક્ષરને એક વિકેટ તેમ જ અર્શદીપ સિંહના સ્થાને રમનાર પ્રસિદ્ધ ક્રિષ્નાને અને મોહમ્મદ સિરાજને પણ એક-એક વિકેટ મળી હતી.

વિરાટ-શ્રેયસે ઝીલ્યા બે લાજવાબ કૅચ

વિરાટ કોહલી (Virat kohli)એ વૉશિંગ્ટન સુંદરના બૉલમાં બૅકવર્ડ પૉઇન્ટ પર મૅથ્યૂ શૉર્ટ (30 રન)નો શાનદાર કૅચ ઝીલ્યો હતો. કોહલી આ કૅચ ઝીલતી વખતે નીચે બેસી પડ્યો હતો. તે કૅચ ઝીલતી વખતે બેસી પડ્યા બાદ પાછળની તરફ પડ્યો હતો, પણ તેણે કૅચ કમ્પ્લીટ કર્યેા હતો. ત્યાર બાદ શ્રેયસ ઐયરે હર્ષિત રાણાના બૉલમાં ઍલેક્સ કૅરી (24 રન)નો અફલાતૂન કૅચ પકડ્યો હતો. શ્રેયસ બૅકવર્ડ પૉઇન્ટ તરફથી ખૂબ દોડ્યો હતો અને ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો. આ કૅચ પકડતી વખતે તેને પાંસળીમાં ઈજા થઈ હતી.

https://twitter.com/Indian_Storms/status/1981959356079026487

બન્ને પુરસ્કાર મળ્યા રોહિત (Rohit Sharma)ને, હાઇએસ્ટ વિકેટ હર્ષિતની

રોહિત શર્માએ 50મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વન-ડેમાં આ તેની 33મી સેન્ચુરી હતી. ટેસ્ટમાં તેની 12 સદી અને ટી-20માં પાંચ સેન્ચુરી હતી. રોહિતને બન્ને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને અણનમ 121 રન બદલ મૅન ઑફ ધ મૅચનો અને સિરીઝમાં સૌથી વધુ 202 રન કરવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. આખી શ્રેણીમાં સૌથી વધુ છ વિકેટ પેસ બોલર હર્ષિત રાણાના નામે હતી. વૉશિંગ્ટન સુંદર પાંચ વિકેટ સાથે બીજા ક્રમે અને ઍડમ ઝૅમ્પા ચાર વિકેટ સાથે ત્રીજા ક્રમે હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button