શુક્રવારથી ભારત-ઑસ્ટ્રેલિયાની પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ-મૅચ…
સવારે 9.30 વાગ્યાથી લાઇવઃ સ્પોર્ટિંગ પિચ પર સ્પિનર્સને પણ ફાયદો
ઍડિલેઇડઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફીના બૅનર હેઠળ રમાતી પાંચ મૅચની ટેસ્ટ શ્રેણીની બીજી મૅચ શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરથી ઍડિલેઇડમાં રમાશે. આ ડે/નાઇટ મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ) છે અને એમાં ખેલાડીઓ પિન્ક બૉલથી રમશે.
આ પણ વાંચો : બીસીસીઆઇના નવા સેક્રેટરી કોણ? ગુજરાતના અનિલ પટેલ, રોહન જેટલી સહિત ત્રણ નામ બોલાય છે
ભારત પર્થની પ્રથમ ટેસ્ટ 295 રનના તોતિંગ માર્જિનથી જીતી જતાં સિરીઝમાં 1-0થી આગળ છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની સતત ત્રીજી ફાઇનલમાં પહોંચવા ભારતે હાલમાં આકરી પરીક્ષા આપવી પડી રહી છે. ભારત 61.11 પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે સાઉથ આફ્રિકા (59.26) બીજા નંબરે અને ઑસ્ટ્રેલિયા (57.69) ત્રીજા સ્થાને છે.
રોહિત શર્મા આ બીજી ટેસ્ટથી ફરી સુકાન સંભાળશે. જોકે તે કયા નંબરે બૅટિંગ કરશે એ કોયડો છે, કારણકે ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ સારું રમી રહ્યા છે. શુભમન ગિલ પણ પાછો આવી ગયો છે અને તે ત્રીજા નંબરે રમશે.
વિરાટ કોહલી ચોથા સ્થાને અને રિષભ પંત પાંચમે રમશે. રોહિત છઠ્ઠા સ્થાને રમશે કે ટૉપ-ઑર્ડરમાં એ સૌથી મોટો સવાલ છે.
ઍડિલેઇડના પિચ ક્યૂરેટરે કહ્યું છે કે `અમે જે પિચ તૈયાર કરી છે એના પર સ્પિન બોલિંગની પણ ભૂમિકા જોવા મળશે. અમે સંતુલિત પિચ બનાવી છે. પિચ પર 6એમએમનું ઘાસનું કવર હોવાથી શરૂઆતમાં પેસ બોલર્સને ફાયદો થશે. સમય જતાં સ્પિનર્સને પણ લાભ મળતો જશે.’
આ પણ વાંચો : ધોની અને પત્ની સાક્ષીનો ઋષિકેશમાં પહાડી ડાન્સ, વીડિયો વાઇરલ થયો છે…
પર્થની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં એકમાત્ર સ્પિનર વૉશિંગ્ટન સુંદર હતો. જોકે આર. અશ્વિન કે રવીન્દ્ર જાડેજામાંથી કોઈને ઍડિલેઇડમાં રમાડવામાં આવશે તો નવાઈ નહીં લાગે.