સ્પોર્ટસ

કૅપ્ટન્સીના ડેબ્યૂમાં જ શાહીન આફ્રિદીની બોલિંગની ધુલાઈ, ઓવરમાં આપ્યા 24 રન

ઑકલૅન્ડ: પાકિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ છ વર્ષની ટી-20 ઇન્ટરનૅશનલ કરીઅરમાં પોતાની બોલિંગમાં નહીં અનુભવી હોય એવી શરમજનક સ્થિતિ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-20 મૅચમાં અનુભવી હતી.

શાહીન આફ્રિદી પોતાની કૅપ્ટન્સીની આ પહેલી જ મૅચ હતી એટલે મૅચની શરૂઆત પહેલાં તેને એનો બેહદ આનંદ હતો. ડેબ્યૂ કૅપ્ટન્સીના બીજા જ બૉલમાં તેણે કિવી ઓપનર ડેવૉન કૉન્વેને ઝીરો પર કૅચઆઉટ કરાવ્યો એટલે તેનો આનંદ ચરમસીમાએ પહોંચી ગયો હતો, પરંતુ પોતાની પછીની જ ઓવર તેણે પોતાની બોલિંગને ચીંથરેહાલ થતી જોઈ હતી.

બીજા ઓપનર ફિન ઍલને તેની એ ઓવરમાં ધુલાઈ કરી હતી. ઓવરના પહેલા પાંચ બૉલમાં ઍલને 24 રન (6, 4, 4, 4, 6) ઝૂડી કાઢ્યા હતા. શાહીન આફ્રિદીની કરીઅરની એ સૌથી ખર્ચાળ ઓવર બની હતી. આફ્રિદીનો પ્રેક્ષકોના એક વર્ગે હુરિયો બોલાવ્યો હતો. ખુદ આફ્રિદી પોતાની એ ઓવરથી એટલો બધો શરમજનક હાલતમાં મૂકાઈ ગયો હતો કે તેણે પછી ત્રીજી ઓવર નહોતી કરી અને નવા ફાસ્ટ બોલર અબ્બાસ આફ્રિદીને મોરચા પર બોલાવ્યો હતો.

શાહીન આફ્રિદીએ 10થી 13મી ઓવર દરમ્યાન બીજા બે કડવા ઘૂંટ પીવા પડ્યા હતા. શાહીન આફ્રિદીએ 10મી ઓવર ઉસામા મીરને આપી હતી જેમાં કિવી બૅટર્સે 18 રન ઝૂડી કાઢ્યા હતા. 11મી ઓવર એનાથી પણ વધુ ખર્ચાળ હતી. આમેર જમાલની એ ઓવરમાં 20 રન અને જમાલની જ પછીની ઓવરમાં 19 રન બન્યા હતા. જમાલની ચાર ઓવરમાં કુલ પંચાવન બન્યા હતા અને તે જરૂર પોતાની એ બોલિંગ ઍનેલિસિસ (4-0-55-0)ને જરૂર ભૂલવાની કોશિશ કરશે.

અધૂરામાં પૂરું, પાકિસ્તાન આ મૅચ 46 રનથી હારી ગયું એટલે શાહીન આફ્રિદીની કૅપ્ટન્સીની પરાજય સાથે શરૂઆત થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button