ઇંગ્લૅન્ડમાં ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને મળશે આ દિગ્ગજનું કોચિંગ | મુંબઈ સમાચાર

ઇંગ્લૅન્ડમાં ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને મળશે આ દિગ્ગજનું કોચિંગ

લંડનઃ ભારતની ઇંગ્લૅન્ડ (ENGLAND) સામે 20મી જૂને ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે અને એ પહેલાં હેડ-કોચ ગૌતમ ગંભીર તેમના મમ્મીની તબિયત સારી ન હોવાને કારણે સ્વદેશ પાછા આવી ગયા છે અને એ સ્થિતિમાં કહેવાય છે કે શ્રેણી માટેની ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર વિપરીત અસર પડશે, પરંતુ બીસીસીઆઇ એવું નહીં થવા દે કારણકે ગંભીર (GAUTAM GAMBHIR)ની ગેરહાજરીમાં ટીમના કોચિંગની જવાબદારી સંભાળવા માટે વીવીએસ લક્ષ્મણ (VVS LAXMAN) ઇંગ્લૅન્ડમાં જ છે.

એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું કે નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ના ચીફ વીવીએસ લક્ષ્મણને બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની સાથે રહેવા કહ્યું છે.

ગૌતમ ગંભીરના મમ્મીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીરે સમાચાર મળતાં જ ભારત પાછા આવવાનો નિર્ણય લીધો અને તેઓ ભારતથી જ શુભમન ગિલ ઍન્ડ કંપની સાથે સંપર્કમાં છે, પરંતુ અહેવાલ અનુસાર વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાની મદદે રહેવાનું જણાવાયું છે. લક્ષ્મણે આ પહેલાં સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપ્યું હતું. એ શ્રેણી ભારતે જીતી લીધી હતી.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિનની ટેસ્ટમાંથી નિવૃત્તિ પછીની ટીમ ઇન્ડિયાની પહેલી ટેસ્ટ શ્રેણી ચાર દિવસમાં શરૂ થવાની છે. ગિલ (SHUBHMAN GILL) ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન અને રિષભ પંત વાઇસ-કૅપ્ટન છે.
ટીમના કોચિંગ (COACHING) સંબંધિત સપોર્ટ સ્ટાફમાં સહાયક-કોચ રાયન ટેન ડૉચેટ, બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલ અને બૅટિંગ-કોચ સિતાંશુ કોટકનો સમાવેશ છે.

આ પણ વાંચો…ચૉકર્સ’ છેક 9722 દિવસે બન્યા વિનર્સ’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button