મહાકુંભના ચર્ચાસ્પદ આઇઆઇટી બાબાએ રોહિત અને હાર્દિકનું નામ કેમ લીધું?
પ્રયાગરાજઃ મહાકુંભમાં આઇઆઇટી બાબા અભય સિંહ થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે. તેઓ ચૅનલો અને અખબારોના પત્રકારો સાથેની વાતચીતમાં ઘણા વિષયો પર બોલ્યા છે અને એમાં હવે ક્રિકેટ પણ બાકાત નથી. ખાસ કરીને તેમણે એક સવાલના જવાબમાં રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યાના નામ લીધા હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
આઇઆઇટી, મુંબઈમાંથી ઍરોસ્પેસ એન્જિનિયર થયા હોવાનો દાવો કરનાર આ બાબાનો એક પછી એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ક્યારેક તેમણે પોતાના અંગત જીવન પર મંતવ્યો આપ્યા તો ક્યારેક આઇઆઇટીમાંથી મહાકુંભમાં પોતે કેવી રીતે પહોંચ્યા એની વાત કરી છે.
ભારતમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પૂજવામાં આવે છે અને સચિન તેન્ડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી જેવા દિગ્ગજોને તેમના ડાઇ હાર્ડ ફૅન્સ દ્વારા ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાવવામાં આવે છે. એક ઇન્ટરવ્યૂમાં બાબા અભય સિંહે ક્રિકેટનો વિષય પકડ્યો અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે ક્રિકેટ મૅચ જુઓ છો?' એના જવાબમાં બાબાએ ચોંકાવતાં કહ્યું,
હા, હું ક્રિકેટ મૅચ જોઉં છું અને મૅચ પણ જિતાડી છે.’
તો આવો, આપણે જાણીએ કે બાબાએ ભારતને વિશ્વ કપની ફાઇનલ કેવી રીતે જિતાડી' હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બાબા એવો દાવો કરતા સાંભળવા મળ્યા કે
ગયા વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં તેમણે ભારતને જિતાડવામાં એક રીતે ભૂમિકા ભજવી હતી.’
બાબાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે `હું રોહિત શર્માને કહી રહ્યો હતો કે હાર્દિકને બોલિંગ આપ, પણ રોહિત મારી વાત સાંભળતો જ નહોતો.’
ઉલ્લેખનીય છે કે 2024ની 29મી જૂને બ્રિજટાઉન ખાતેની ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમ 177 રનનો લક્ષ્યાંક મેળવવા સંઘર્ષ કરી રહી હતી. અર્શદીપ સિંહની 19મી ઓવર પૂરી થઈ ત્યારે સાઉથ આફ્રિકાએ જીતવા છ બૉલમાં 16 રન બનાવવાના હતા અને ચાર વિકેટ પડવાની બાકી હતી. રોહિતે એ તબક્કે હાર્દિક પંડ્યાને 20મી નિર્ણાયક ઓવર આપી હતી જેના પહેલા જ બૉલમાં સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી લાઇનને આર-પાર જઈને ડેવિડ મિલર (21 રન)નો અકલ્પનીય કૅચ પકડ્યો હતો. બીજા બૉલમાં ફોર, ત્રીજા બૉલમાં બાય, ચોથા બૉલમાં લેગ બાય ગયા બાદ પાંચમો વાઇડ પડ્યો હતો. વાઇડ પછીના બૉલમાં હાર્દિકે કૅગિસો રબાડાને પૅવિલિયન ભેગો કર્યો હતો અને વર્લ્ડ કપના અંતિમ બૉલ પર ઍન્રિક નોર્કિયાએ એક રન બનાવ્યો અને એ સાથે ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો અને સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું.