વિમ્બલ્ડનમાં સ્વૉન્ટેક પહેલી વાર ચૅમ્પિયન, 114 વર્ષ પછી પહેલી વાર એવું બન્યું જેમાં…

લંડનઃ પોલૅન્ડની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક (Iga Swiatek) અગાઉ પાંચ ગ્રેન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ જીતી હતી, પણ એમાં સર્વશ્રેષ્ઠ સ્પર્ધા વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની એક પણ ટ્રોફી નહોતી જે તેણે શનિવારે અમેરિકાની અમૅન્ડા ઍમિનિસોવા (Amanda Aminisova)ને હરાવીને મેળવી લીધી હતી. સ્વૉન્ટેક પહેલી વાર વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી તો ખરી, પણ એવા રેકૉર્ડ સાથે જીતી જે રેકૉર્ડ 114 વર્ષમાં ક્યારેય કોઈ મહિલા ખેલાડી નહોતી નોંધાવી શકી.
સ્વૉન્ટેક 1911ની સાલ પછીની એવી પહેલી મહિલા ખેલાડી છે જે વિમ્બલ્ડન (Wimbledon)ની ફાઇનલ 6-0, 6-0થી જીતી છે. બીજી રીતે કહીએ તો વિમ્બલ્ડનની ફાઇનલમાં કોઈ એક ખેલાડી એકેય ગેમ ન જીતી શકી હોય એવું છેલ્લા 114 વર્ષમાં પહેલી વાર બન્યું છે.
અમૅન્ડાએ શનિવારે 0-6, 0-6થી હાર્યા બાદ પોતે જ કહ્યું હતું કે તે છેલ્લા બે અઠવાડિયાથી એકધારું રમીને ખૂબ થાકી ગઈ હતી. અમૅન્ડાએ શુક્રવારે ફાઇનલ માટેની પ્રૅક્ટિસ નહોતી કરી અને મૅચ પહેલાં હળવી પ્રૅક્ટિસ કરી રહી હતી ત્યારે તેને જમણા ખભામાં દુખાવો શરૂ થયો હતો. તેની આ પહેલી જ ગ્રેન્ડ સ્લૅમ ફાઇનલ હતી.
શનિવારની ફાઇનલમાં કુલ 79માંથી પંચાવન પૉઇન્ટ સ્વૉન્ટેક જીતી હતી અને એ તેના માટે 6-0, 6-0થી જીતવા માટે પૂરતા હતા.આ એવી સતત આઠમી મહિલા વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ હતી જેમાં ખેલાડી પહેલી જ વાર આ ટૂર્નામેન્ટ જીતી હતી.
સ્વૉન્ટેક અગાઉ ફ્રેન્ચ ઓપનમાં ચાર વખત અને યુએસ ઓપનમાં એક વખત ચૅમ્પિયન બની હતી. તે હજી સુધી ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ નથી જીતી શકી.
આ પણ વાંચો…સિનર સામે સેમિમાં હાર્યા પછી જૉકોવિચે કહ્યું, ` હું હજી આવતા વર્ષે વિમ્બલ્ડનમાં રમીશ’