ગૌતમ ગંભીરનાં કોચિંગની જરૂર નથી! આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે આવી મજાક કેમ કરી?

મુંબઈ: ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સાંભળ્યા બાદ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ ટીમનું પ્રદર્શન કથળતું ગયું છે, હાલ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો વ્હાઇટવોશ થવાની પ્રબળ શક્યતા છે. એવામાં ગૌતમ ગંભીરની ભૂમિકા અંગે સવાલો ઉઠી રહ્યા છે, એવામાં આઇસલેન્ડ ક્રિકેટે પણ ગૌતમ ગંભીર પર જોરદાર કટાક્ષ કરી છે.
X પર પોસ્ટ કરીને આઇસલેન્ડ ક્રિકેટે લખ્યું, “અમે ચાહકોની શંકા દૂર કરવા ઈચ્છીએ છીએ કે ગૌતમ ગંભીરને આઇસલેન્ડ ક્રિકેટના કોચ બનવા માટે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી, આ પદ પહેલાથી જ ભરાયેલું છે અને અમારી ટીમે 2025 માં તેની 75% મેચ જીતી છે.”

નોંધનીય છે કે આઇસલેન્ડ ક્રિકેટ ટીમ યુરોપિયન એસોસિએટ ટીમ છે. આઇસલેન્ડ ક્રિકેટનું સત્તાવાર X જે તેની રમુજી અને કટાક્ષભરી પોસ્ટ માટે જાણીતું છે.
કોચ તરીકે ગંભીરનો ટેસ્ટ રેકોર્ડ:
વર્ષ 2024 ના મધ્યમાં ગૌતમ ગંભીરે ભારતીય ટીમના હેડ કોચનો કાર્યભાર સંભાળ્યા બાદ, ટીમનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ રહ્યો છે. ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3 થી સિરીઝ હારી ગઈ, ત્યાર બાદ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ 1-3 થી સિરીઝ હારી ગઈ. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માંડમાંડ ડ્રો કરાવી શકી.
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમે 18 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી સાતમાં જીત, નવ મેચમાં હાર મળી છે, જ્યારે બે મેચ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમ ગુવાહાટી ટેસ્ટમાં પણ હારની નજીક છે.
આઇસલેન્ડની ક્રિકેટ ટીમ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)નું સંપૂર્ણ સભ્ય નથી, તે પ્રાદેશિક યુરોપિયન ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ રહે છે.
આપણ વાંચો: IND vs SA 2nd Test: ભારતીય ટીમને મળ્યો 549 રનનો ટાર્ગેટ, જીત લગભગ અશક્ય



