ICC World Cup: લીગ રાઉન્ડ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ

ICC World Cup: લીગ રાઉન્ડ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ

વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડની તમામ 45 મેચ સમાપ્ત થઈ ગઈ છે. લીગ રાઉન્ડ બાદ અંતિમ પોઈન્ટ ટેબલ મુજબ ટીમ ઈન્ડિયા તમામ નવ મેચ જીતીને પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ્સ નવ માંથી સાત મેચમાં હાર બાદ 10માં સ્થાને સૌથી નીચે છે. નોકઆઉટ રાઉન્ડની મેચો 15 નવેમ્બરથી શરૂ થશે. હવે બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાશે.

નોકઆઉટ રાઉન્ડ પહેલા ટીમ ઈન્ડિયાએ લીગ રાઉન્ડમાં તમામ નવ પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. તે પછી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું હતું.

પોઈન્ટ ટેબલમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમ ટોપ ચારમાં રહી. ચારેય ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઇ છે. પાકિસ્તાનની ટીમ પાંચમાં અને અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને રહી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ સાતમાં સ્થાને રહી. બાંગ્લાદેશની ટીમે આઠમા સ્થાને રહીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થઇ. 1996માં વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકાની ટીમ આ વખતે નવમા સ્થાને રહી. નેધરલેંડ અંતિમ દસમા સ્થાને રહી.

પોઈન્ટ ટેબલની ટોચની આઠ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે. ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે થશે. જ્યારે બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button