ICC મહિલા વર્લ્ડ કપમાં આજે ભારતની અગ્નિપરીક્ષા, 7 વખતની ચેમ્પિયન ટીમ મુકાબલો

વિશાખાપટ્ટનમ: ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા ICC મહિલા વર્લ્ડ કપ 2025માં રસપ્રદ મેચ જોવા મળી રહી છે. ટુર્નામેન્ટની 13મી મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, બંને ટીમો જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં સ્થિતિ મજબુત કરવા પ્રયત્નો કરશે. ભારતીય ટીમ માટે આ મેચ એક પડકાર રહેશે, કેમ કે સામે 7 વાર વર્લ્ડ ચેંમ્પિયન રહેલી ટીમ હશે.
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ ટુર્નામેન્ટમાં 3 મેચ રમી છે, જેમાંથી 2માં જીત મળી છે, જ્યારે 1 મેચમાં હાર મળી છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, એલિસા હીલીની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયા ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે; ટીમ એક પણ મેચ હારી નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ 3 માંથી 2 જીતીને 5 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, 1 મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ મજબૂત છે.
ભારત vs ઓસ્ટ્રેલિયા હેડ-ટૂ-હેડ:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે અત્યાર સુધી 59 ODI મેચ રમાઈ છે, જેમાંથી 48માં ઓસ્ટ્રેલીયાએ જીત મળેવી, જ્યારે ભારતીય ટીમને માત્ર 11માં જ જીત મળી છે. આમ રેકોર્ડ મુજબ ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમ પર ભારે જણાઈ રહી છે. આજે બંને ટીમો વચ્ચે 60મી ODI મેચ રમાશે. ભારતીય ટીમને પાછલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હાર મળી હતી, એવામાં ટીમને ઓસ્ટ્રેલીયા સામે રમવા મજબુત આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવું પડશે.
મેચ ક્યાં રમાશે અને ક્યાં જોઈ શકાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ આજે 12 ઓક્ટોબરના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2:30 વાગ્યે થશે.
મહિલા વર્લ્ડ કપ 2025 મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થઈ રહ્યું છે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર જોઈ શકાય છે.
આ પણ વાંચો…મહિલા વર્લ્ડ કપ: યજમાન ભારત અને નંબર વન ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ટક્કર…