સ્પોર્ટસ

IND-W vs SA-W: આજે ફાઈનલ મેચમાં કેવી રહેશે પીચ? વરસાદને કારણે મેચ રદ કરવી પડે તો શું થશે? વાંચો રીપોર્ટ

નવી મુંબઈ: ભારતની યજમાનીમાં રમાઈ રહેલા ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ આજે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ટાઈટલ મેચમાં આમને સામને હશે.

સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા સામે શાનદાર જીત મેળવીને ભારત આઠ વર્ષ પછી ODI વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે, ભારત ત્રીજી વાર ODI વર્લ્ડ કપ ફાઈનલ રમશે, જ્યારે દક્ષિણ આફ્રિકા પહેલી વાર ODI ફાઇનલ મેચ રમશે. બંને દેશના ક્રિકેટ ચાહકો પોતાના દેશની ટીમને વિજેતા બને એવી પ્રર્થન કરી રહ્યા છે.

મેચ રોમાંચક રહેશે:
આ ટુર્નામેન્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ સેમિફાઇનલમાં લૌરા વોલ્વાર્ડની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે ઇંગ્લેન્ડની ટીમને 125 રનથી હરાવી હતી, બીજી સેમિફાઇનલ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે સાત વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સામે 5 વિકેટથી શાનદાર જીત મેળવી હતી.

આ ટુર્નામેન્ટના લીગ સ્ટેજમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક મેચ રમાઈ હતી, જેમાં આફ્રિકાએ ત્રણ વિકેટથી જીત મેળવી હતી, ત્યારે આજે એક રોમાંચક મેચ જોવા મળે તેવી શક્યતા છે.

DY પાટિલ સ્ટેડિયમની પિચ:
ફાઈનલ મેચમાં DY પાટિલ સ્ટેડિયમની પિચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સામાન્ય રીતે આ મેદાનથી બેટરર્સને મદદ મળે છે. અહીં રમાયેલી સેમિફાઇનલમાં બંને ટીમોએ 300+ બનાવ્યો હતો, ભારતે ઓસ્ટ્રેલીયાએ આપેલો 338નો ટાર્ગેટ સફળતા પૂર્વક ચેઝ કર્યો છે. બોલ જુનો થયા બાદ સ્પિનરોને મિડલ ઓવર્સમાં મદદ મળી શકે છે.

સાંજે ઝાકળ આવવાની શક્યતા છે, જેને કારણે બોલર્સને તકલીફ પડી શકે છે, ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

વરસાદ વિઘ્ન બની શકે છે:
ભારતીય સમયાનુસાર ફાઈનલ મેચ આજે બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, એ પહેલા 2:30 વાગ્યે ટોસ થશે. આ ટુર્નામેન્ટમાં અગાઉ નવી મુંબઈમાં રમાયેલી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે. એવામાં આજે પણ વરસાદને કારણે મેચ રોકવામાં આવી શકે છે.

અહેવાલ અનુસાર બપોરે 2 વાગ્યે નવી મુંબઈમાં વરસાદની શક્યતા 15 ટકા છે, બપોરે 3 વાગ્યા સુધીમાં આ શક્યતા વધીને 20 ટકા થઈ શકે છે. વરસાદ પડવાની શક્યતા સાંજે 4 વાગ્યે 49 ટકા, સાંજે 6 વાગ્યે 58 ટકા છે. જોકે, સાંજે 7 વાગ્યા બાદ વરસાદની શક્યતા માત્ર 20 કે તેથી ઓછી છે.

આ દરમિયાન જો વધુ વરસાદ પડે તો મેચ રોકવામાં આવી શકે છે, જેને કારણે ઓવરમાં કાપ મુકવામાં આવી શકે છે.

મેચ રદ થાય તો શું થશે?
ICC ટુર્નામેન્ટની નોકઆઉટ મેચો માટે એક રિઝર્વ ડે રાખવામાં આવે છે, ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે IND-W vs SA-W ફાઇનલ મેચ રદ થાય તો, મેચ આવતી કાલે 3 નવેમ્બરના રોજ રમાશે.

આપણ વાંચો:  IND vs AUS: ભારત પહેલીવાર હોબાર્ટમાં T20I મેચ રમશે; પ્લેઇંગ-11માં થશે ફેરફાર! જુઓ પિચ રીપોર્ટ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button