સૂર્યકુમારને ICCએ આપી ચેતવણી; પાકિસ્તાન સામેની મેચ બાદ કહી હતી આ વાત

દુબઈ: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિવાદોથી ભરેલી રહી, પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરનો પડઘો ક્રિકેટના મેદાનમાં પણ પડ્યો. ભારતીય ખેલાડીઓએ પાકીસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. ગ્રુપ સ્ટેજમાં મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. અહેવાલ મુજબ આ ટિપ્પણી બદલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ સુર્યાને સત્તાવાર ચેતવણી આપી છે.
આ પણ વાંચો : શાહીન આફ્રિદીએ સૂર્યકુમારની ચોંકાવનારી ટિપ્પણી વિશે પત્રકારને કહ્યું, ` તેને બોલવા દો, ફાઇનલમાં અમે જોઈ લઈશું’
ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ સૂર્યકુમારે પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રેઝેન્ટેશન દરમિયાન સૂર્યકુમારે આ જીતને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. ICCએ સૂર્યકુમાર અને BCCIને નોટીસ મોકલી છે.
સૂર્યકુમાર યાદવને થશે નુકશાન:
ICCએ રિચી રિચાર્ડસનની અધ્યક્ષતામાં એક સુનાવણી પણ યોજી હતી. અહેવાલ મુજબ BCCIના COO હેમાંગ અમીન અને ક્રિકેટ ઓપરેશન્સ મેનેજર સમર મલ્લાપુરકરએ હાજરી હતી. અહેવાલ મુજબ પાકિસ્તાન સામે ટીપ્પણી કરવા બદલ સૂર્યકુમાર યાદવને દંડ ફટકારવામાં આવી શકે છે અથવા તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : ‘આગ અને બરફની જોડી….’ પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડ્યા બાદ કેપ્ટન સૂર્યએ શું કહ્યું?
હાલમાં ચાલી રહેલા એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ મેચ રમાઈ હતી. મેચ પહેલા સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ખેલાડીઓ સાથે પણ હાથ મિલાવ્યા ન હતાં, જેને કારણે વિવાદ ઉભો થયો હતો. મેચ બાદ સૂર્યકુમારે પહલગામ હુમલાને યાદ કર્યો હતો.
પાકિસ્તાની ખેલાડીઓ સામે પણ સુનાવણી:
સુપર-4 સ્ટેજમાં રમાયેલી ભારત-પાક મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાન દ્વારા ઉશ્કેરણીજનક હરકતો સામે BCCIએ ફરિયાદ નોંધાવી છે, જેના પર ICC અલગથી સુનાવણી કરશે.