સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમર તૂટી જશે! ભારત સામેની મેચનો બહિષ્કાર બદલ લાગી શકે છે આ પ્રતિબંધો

દુબઈ: પાકિસ્તાન સરકારે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ના સમર્થનમાં પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. જય શાહની આગેવાની હેઠળની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ પાકિસ્તાનના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. અહેવાલ મુજબ ICC પાકિસ્તાન પર કડક પ્રતિબંધો લાગુ કરી શકે છે, જેને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમર તૂટી શકે છે.

અહેવાલ મુજબ પાકિસ્તાનને ભવિષ્યમાં ICCની ઇવેન્ટમાં ભાગ લેવાથી રોકવામાં આવી શકે છે. ICCના કેટલાક સભ્ય દેશો દ્વારા પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાનો ઇનકાર કરવામાં આવી શકે છે અને પાકિસ્તાન પર નાણાકીય પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન સુપર લીગ(PSL)માં વિદેશી ખેલાડીઓના ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

ICCએ પાકિસ્તાનને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે, જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહે તો ICCની કમિટી પાકિસ્તાન સામે પગલા લેવા માટે વિચાર કરી શકે છે. ICCના એક અધિકારીના જણાવ્યા મુજબ ICC બોર્ડ આજે સોમવારે વર્ચ્યુઅલી બેઠક યોજાશે.

ICC રેન્કિંગમાંથી બાકાત:
ICCના એક અધિકારીના જણાવ્યા મુજબ ICC ના સભ્ય બોર્ડ દ્વિપક્ષીય સિરીઝ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી શકે છે. જો કોઈ ટીમ કોઈ પણ ફોર્મેટમાં પાકિસ્તાનમાં દ્વિપક્ષીય સિરીઝ રમે પણ ખરી તો, મેચના પરિણામો ICC રેન્કિંગ પર અસર થશે નહીં.

એવું પણ બની શકે છે કે ટેસ્ટ મેચ જીતવ પર પાકિસ્તાનને કોઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC) પોઈન્ટ ન આપવામાં આવે.

PCBને મોટો આર્થીક ફટકો:
ICC વિદેશી ખેલાડીઓને PSL માં ભાગ લેવા પર પ્રતિબંધિત મૂકી શકે છે, જેને કારણે PCBને મોટો આર્થીક ફટકો પડી શકે છે. ભારત સામેની મેચ રદ થવા પર ICCના હોસ્ટ બ્રોડકાસ્ટર Jio-Star ને આવકના નુકસાનની ભરપાઈ પણ PCBને કરવી પડી શકે છે, જે રકમ લાખો ડોલર હોઈ શકે છે.

ભારત-પાકિસ્તાનના હાઈ પ્રોફાઈલ મેચ દરમિયાન જાહેરાત દર 10 સેકન્ડ માટે 25 લાખથી 40 લાખ રૂપિયાના હોય છે, માત્ર જાહેરાતની આવકનું નુકસાન 200 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે.

આ ઉપારાંત PCBને વાર્ષિક ધોરણે આપવામાં આવતી રકમ પણ અટકાવી દેવામાં આવી શકે છે.

વર્લ્ડ કપ 2026માંથી પણ બહાર થઇ શકે છે:
એવી પણ શક્યતા છે કે ICC પાકિસ્તાનને T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર કરી શકે છે, જે એવું થાય તો યુગાન્ડા સ્થાન મળી શકે છે. આજે યોજાનારી ICC બોર્ડ મીટિંગમાં તમામ પાસા પર ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.

આપણ વાંચો:  ડબલ્યૂપીએલના બે ટાઈટલ જીતનાર મુંબઈ ટૂર્નામેન્ટની બહાર, દિલ્હી પ્લે-ઑફમાં

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button