ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, હેરી બ્રુકને બદલે આ બેટ્સમેન બન્યો નંબર વન
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ડ્રો રહી. આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ નવી રેન્કિંગ જાહેર કરી છે. બ્રિસ્બેન ટેસ્ટનો આજે છેલ્લો દિવસ હતો આથી આ મેચના આંકડા રેન્કિંગમાં ઉમેરવામાં આવ્યા નથી, છતાં નવી રેન્કિંગમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. બેટિંગ રેન્કિંગમાં જો રૂટ (Joe Root) ફરીથી નંબર વન પર આવી ગયો છે, જયરે નંબર વન પર રેહેલો હેરી બ્રુક (Harry Brook) બીજા નંબરે આવી ગયો છે.
પહેલા નંબર પર જો રૂટનું રેટિંગ વધીને 895 થઈ ગયું છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રુક બીજા સ્થાને સરકી ગયો છે. તેને એક સ્થાનનું નુકશાન થયું છે, તે હવે 876 રેટિંગ સાથે બીજા સ્થાને છે. વિલિયમસને તેની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી, તેથી તેનું રેટિંગ વધ્યું છે, પરંતુ રેન્કિંગમાં કોઈ અસર થઇ નથી, રેટિંગ હવે 867 પર પહોંચી ગયું છે.
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો યશસ્વી જયસ્વાલ 811 રેટિંગ સાથે ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 781 રેટિંગ સાથે 5માં નંબર પર છે. શ્રીલંકાનો કામેન્દુ મેન્ડિસ 759ના રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર યથાવત છે. સાઉથ આફ્રિકાનો ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા 753 રેટિંગ સાથે 7માં નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો ડેરીલ મિશેલ હાલમાં 725 રેટિંગ સાથે આઠમાં નંબરે છે.
Also Read – Ravichandran Ashwinને નિવૃત્તિની જાહેરાત કરી, કંઇક આવી રહી ક્રિકેટ કારકિર્દી
ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 724 રેટિંગ સાથે 9માં નંબર પર છે. પાકિસ્તાનના સઈદ શકીલનું રેટિંગ પણ 724 છે, તેથી તે પણ નવમા નંબરે છે. સ્ટીવ સ્મિથ 708 રેટિંગ સાથે 11માં નંબર પર છે.
સ્ટીવ સ્મિથે ભારત સામેની ત્રીજી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ આ મેચના આંકડા હજુ રેટિંગમાં ઉમેરાયા નથી. હવે જ્યારે આગામી અઠવાડિયે નવી રેટિંગ આવશે, ત્યારે ઘણા મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.